Dhoraji. તા.26
ધોરાજીના વેગડી ગામે પાડોશી વચ્ચે માથાકૂટ થયા બાદ મારામારી થઈ હતી. પશુપાલક યુવાનના પિતાને પાડોશી દંપતીએ જુના મનદુ:ખ સબબ મારમાર્યો હતો. સામાપક્ષે પ્રૌઢ દારૂ પી ઘર પાસે ગાળો બોલતા હોય જેથી પોલીસ બોલાવતા તેના પુત્રે મહિલાને ધમકી આપ્યાની ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
બનાવ અંગે ધોરાજીના વેગડી ગામે રહેતા અજય વજુભાઈ કારોતરા(ઉ.વ 28) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પડોશમાં રહેતા કાંતિલાલ કુંભાણી અને સુમિતાબેન કાંતિલાલ કુંભાણીના નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા. 16 ના રાત્રે 9:00 વાગ્યા આસપાસ યુવાનને પત્ની રાણીબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા બાપુજીને પાડોશી કાંતિ કુંભાણી તથા તેની પત્ની સુમિતાબેન બંને માર મારે છે.
જેથી યુવાન ધોરાજી ખાતે દૂધ દેવા આવ્યો હોય ત્યાંથી ઘરે ગયો હતો. ત્યારબાદ અહીં આવી પિતા વજુભાઈને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે પાડોશી કાંતિ અને તેની પત્ની સુમિતાએ જુના મનદુ:ખનો ખાર રાખી મૂઢ મારમાર્યો હતો. તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે યુવાને પાડોશી દંપતિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામાપક્ષે અહીં વેગડી ગામે જ રહેતા સુમિતાબેન ઉર્ફે દક્ષાબેન કાંતિલાલ કુંભાણીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજય વજુ કારોતરાનું નામ આપી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 15 ના રાત્રીના દસેક વાગ્યા આસપાસ તેઓ ઘરે હતા ત્યારે પાડોશી વજુ કારોતરા દારૂ પી ઘર પાસે તેમના પુત્ર સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા અને બોલાચાલી કરવા લાગતા સુમિતાબેનના પતિ કાંતિભાઈએ 112 માં ફોન કર્યો હતો જેથી પોલીસ અહીં આવી વજુને લઇ ગઇ હતી બાદામાં તેઓ ઘરમાં જતા રહ્યા હતા.
ત્યારબાદ સવારના પતિ કામે ગયા બાદ 9:30 વાગ્યા આસપાસ વજુ તથા તેનો દીકરો અજય રોડ પર આવી ગાળો બોલવા લાગેલ તેમજ કહેવા લાગ્યા હતા કે તમે ગામ છોડી ચાલ્યા જાઓ નહીંતર તમને મારી નાખવા છે. જેથી આ અંગે મહિલાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી ધોરાજી પોલીસે ગુનો નોંઘી તપાસનો ધમધમાટ આદર્યો હતો.