Jamnagar તા.29
જામગનર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામે બે પરિવારજનો વચ્ચે માથાકૂટનો બનાવ સામે આવ્યો છે. બન્ને પરિવારોએ સામસામે મારામારી કરી એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી કુલ આઠ શખ્સો સામે ફરિયાદ નોંધી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકેથી માથાકૂટના આ બનાવની જાણવા મળતી વિગત એવી છે કે હાલ સુરત ખાતેના કતારગામે સુમન દર્શન સોસાયટીના રહેતાં અને મૂળ જામનગર તાલુકાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામના વતની લક્ષ્મણભાઇ ઉકાભાઇ ઝાપડા નામના 45 વર્ષિય યુવાને લક્ષ્મીપુર ગામે જ રહેતાં ભુમેશભાઇ ભવાનભાઇ લુણાગરીયા, ભવાનભાઇ ચનાભાઇ લુણાગરીયા, બાબુભાઇ ચનાભાઇ લુણાગરીયા અને અશ્વિનભાઇ ચનાભાઇ લુણાગરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદી પોતાના પરિવાર સાથે ગામમાં આવેલ પોતાના વાડામાં બેઠા હતાં ત્યારે આરોપીઓએ આવી તેમને તથા તેમના પરિવારને ભૂંડી ગાળો આપવા લાગ્યા હતાં. જેથી ફરિયાદીના પત્નીએ ગાળો આપવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને જપાજપી કરી ગાળો બોલી લાકડીઓ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ જ બનાવમાં ભુમેશભાઇ ભવાનભાઇ લુણાગરિયાએ પણ ગોપાલભાઇ ડાયાભાઇ ઝાપડા, રમાબેન લક્ષ્મણભાઇ ઝાપડા, રાહુલભાઇ લક્ષ્મણભાઇ ઝાપડા, ડીમ્પલબેન લક્ષ્મણભાઇ ઝાપડા નામના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવી છે. જેમાં જણાવાયા અનુસાર આરોપીઓએ ફરિયાદીની વાડીએ જવાનો રસ્તો બંધ કરી દીધેલ હોય આ બાબતે તેઓને વાતચીત કરવા જતાં આરોપીઓ ફરિયાદીને ગાળો આપવા લાગ્યા હતાં.
જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાય ગયા હતાં અને ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી કુલ આઠ શખ્સો સામે બીએનએસની કલમ 115(2), 352, 351(2), 351(3), 54 તથા જી.પી.એક્ટની કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

