Wadhwan , તા.28
કોઠારીયા રોડ પર આવેલ સુકુન પાર્કમાં રહેતા ગનીભાઈ કાસમભાઈ કારીયાણીયા ડ્રાઈવીંગ કરે છે. તેમની સોસાયટીના કોમન પ્લોટમાં 10 વર્ષ પહેલા તેઓએ તથા રહીશોએ એકત્ર થઈ વૃક્ષોનું વાવેતર કર્યુ હતુ. આ કોમન પ્લોટમાં પોતાના વાહનો પાર્ક કરવા અયુબભાઈને વૃક્ષો પાડી દેવા હોઈ અને ગનીભાઈ ના પાડતા હોઈ અગાઉ પણ બોલચાલી થઈ હતી.
તા. 24-4ના રોજ સવારે ગનીભાઈની દિકરી રૂહી આ બગીચામાં રહેલ વૃક્ષોનું મોબાઈલમાં વીડિયો શુટીંગ કરતી હોય અયુબભાઈ, તેમના પત્ની યાસ્મીનબેન અને દીકરો સુફીયાન ત્યાં આવ્યા હતા અને ઉંચા અવાજે બોલવા લાગ્યા હતા. જેમાં ગનીભાઈએ ઉંચા અવાજે બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેયે ગનીભાઈને માર માર્યો હતો. જેમાં રૂહી વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ વી.એન.પરમાર ચલાવી રહ્યા છે.

