New Delhiતા.10
દેશમાં જીએસટીમાં જે ઘટાડો સરકારે નિશ્ચિત કર્યો છે તેના અમલનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે અને વ્યાપાર ઉદ્યોગોને જીએસટી ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચે તે નિશ્ચિત કરવા માટે ખાસ કહેવામાં આવી રહ્યું છે અને ખુદ નાણામંત્રી નિર્મલા સીતારામનને પણ ચિંતા છે કે જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે કે અધુરો પહોંચે તો સરકારની સમગ્ર કવાયત નિષ્ફળ જઈ શકે છે.
ખાસ કરીને નફાખોરી થવાની સૌથી મોટી ચિંતા છે અને તેથી જ નાણામંત્રી સીતારામને ભાવમાં ઘટાડા અંગે દર મહિને તેમના ટેબલ પર રીપોર્ટ મુકવા આદેશ આપ્યો છે. પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર અને ચીફ કમિશ્નર ઓફ સેન્ટ્રલ જીએસટીને એક પત્ર લખીને સરકારે દરેક કોમોડીટી મુજબ હાલના ભાવનું લીસ્ટ તૈયાર રાખ્યું છે.
જેમાં ખાદ્ય પદાર્થો, શાળાઓમાં ઉપયોગમાં લેવાતી આઈટમ, દવાઓ, સીમેન્ટ, રેફ્રીજરેટર અને ટીવી સહિતના વાઈટ ગુડસ આમ જયાં જયાં જીએસટી ઘટાડો લાગુ પડે છે તેના વર્તમાન ભાવની યાદી તૈયાર રાખવા આદેશ અપાયો છે.
તા.22થી તેમાં કેટલો ઘટાડો થઈ શકે છે તે ફીગર પણ નિશ્ચિત કરાશે અને પછી દર મહિને તેનો રિપોર્ટ નાણામંત્રાલયના ટેબલ પર જશે તેમાં પ્રથમ રિપોર્ટ જીએસટીમાં ભાવ ઘટાડા બાદ તા.30 સપ્ટે.ના આપવાનો રહેશે.
નાણામંત્રાલય દ્વારા આ અંગે ફીલ્ડ ઓફીસરોને આ સૂચના ટોપ પ્રાયોરિટીમાં મુકવા જણાવ્યું છે અને દર મહિને તા.20 સુધીમાં રિપોર્ટ આપી દેવાનો રહેશે જેથી કરીને વ્યાપાર ઉદ્યોગ જો કોઈ નફાખોરી માટે પ્રયત્ન કરે તો તુર્તજ તેના પર એકશન લેવાશે.
નાણામંત્રીએ સાબુ, શેમ્પુ, હેરઓઈલ, ટુથપેસ્ટ, પાવડર, શેવીંગ ક્રીમ, લોશન જેના પર 12 અથવા 18માંથી 5 ટકા જીએસટી કર્યો છે તેનો લાભ પુરેપુરો મળે તે જોવા જણાવ્યું છે. એટલું જ નહી ઘરેલુ વપરાશના કીચનવેર, છત્રીઓ, રમકડાઓ, ટ્રાયસીકલ, પેડલ સ્કુટર વગેરેના ભાવ પણ ઘટે તે નિશ્ચિત કરવા વિભાગોને સૂચના અપાઈ છે.
જેથી કરીને આ પ્રકારે કોઈપણ નફાખોરી થઈ શકે નહી. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ઈચ્છે છે કે જે કાંઈ લાભ આપ્યો છે તે સામાન્ય વર્ગ માટે છે. વ્યાપાર ઉદ્યોગ માટે નથી. તેઓએ આ ઘટાડો પાસઓન કરવાનો રહેશે.