Surendranagar,તા.28
ધ્રાંગધ્રા શહેરની મેઈન બજારમાં આવેલ ઈલેકટ્રીકની દુકાનમાં અચાનક બપોરના સમયે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનીનો બન્યો નહોતો પરંતુ માલ-સામાન બળીને ખાખ થઈ જતાં મોટાપાયે નુકશાન પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં મેઈન બજારમાં આવેલી અજીત ઈલેકટ્રીકની દુકાનના ઉપરના માળે બપોરના સમયે આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. આ અંગેની જાણ પાલિકાની ફાયર ફાયટર ટીમને કરતા સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.સદ્દનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ દુકાનમાં રહેલ ઈલેકટ્રીક વાયર, સ્વીચ, બોર્ડ તેમજ વિજઉપકરણો બળીને ખાખ થયો હતો. બનાવની જાણ થતાં પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જે દુકાનમાં આગ લાગી ત્યાંથી નજીકના અંતરમાં જ પેટ્રોલ પંપ આવેલો હોવાથી આસપાસના લોકો સહિત દુકાનદારોમાં પણ ભય જોવા મળ્યો હતો અને અંદાજે ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.