Jaisalmer તા.15
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક બસમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં 20થી વધુ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
પોકરણના ભાજપના ધારાસભ્યે અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટી કરી છે. આ અકસ્માત બપોરે 3ઃ30 વાગ્યે જેસલમેરથી લગભગ 20 કિલોમીટર દૂર થૈયત ગામ પાસે થયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ બપોરે 3 વાગ્યે જેસલમેરથી 50થી વધુ મુસાફરો સાથે રવાના થઈ હતી. થૈયત ગામ પાર કરતા જ પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો અને થોડીવારમાં જ આખી બસ આગની લપેટમાં આવી ગઈ. મુસાફરો ચીસો પાડવા લાગ્યા. ઘણા લોકો બારીઓ અને દરવાજાઓમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
ગામવાસીઓ અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે નજીકના પાણીના સ્ત્રોતોમાંથી પાણી અને રેતીનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવામાં લગભગ એક કલાક લાગ્યો હતો.
સ્થાનિકો અને પોલીસની મદદથી ઘાયલોને ત્રણ એમ્બ્યુલન્સમાં જેસલમેરની જવાહર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેરની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ પીડિત લોકો અને તેમના પરિવારો સાથે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000ની સહાય કરાશે.