આ ઘટનાની જાણ કરાતા જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, વેપારીઓમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે
Surat, તા.૭
સુરતના સારોલીમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં કુબેરજી ટેક્સટાઈલ વર્લ્ડ માર્કેટમાં ૧૦મા માળે આગ લાગી હોવાની જાણકારી સામે આવી રહી છે. જોકે આ ઘટનાની જાણ કરાતા જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. વેપારીઓમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યા છે. ૧૦મા માળે આગ લાગી હોવાથી ફાયરબ્રિગેડને આગ બુઝાવવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, જેમને પોલીસે દૂર હટાવવાની કામગીરી હાથ ધરી હતી.હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ માર્કેટમાં મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થવાની આશંકા છે. ફાયર વિભાગનું ઓપરેશન હજુ ચાલુ છે.

