Ahmedabad,તા.30
ઇન્દિરાબ્રિજ નજીક આવેલા આત્રેય ઓર્ચિડ ફ્લેટના જી બ્લોકમાં ચોથા માળે આવેલા મકાનમાં મંગળવારે સાંજે 6 વાગ્યે એસીમાં આગ લાગી હતી. જ્યારે ઘરમાં આગ લાગતા ફર્નિચર, ગાદલા સહિતનો સામાન આગની ઝપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
જેથી આગ બાજુના મકાનમાં અને પાંચમાં માળે આવેલા ચાર મકાનો એમ કુલ 6 મકાનોમાં આગ પ્રસરી હતી. જેથી ફ્લેટમાં કુલ 31 લોકો ફસાયા હતા. જેથી ફાયરબ્રિગ્રેડને જાણ કરાતા ફાયરની 23 ગાડીઓટો ઘટનાસ્થળે પહોચી હતી.
જ્યારે ફાયરની ટીમ પહોચે તે પહેલા ચાર લોકો પાંચમાં માળેથી જીવ બચાવવા છલાંગ લગાવી હતી. ત્યારે ફ્લેટના રહીશોએ નીચે ગાદલા અને ચાદર સેફ્ટી તરીકે રાખતા ચારેય લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા.
બીજી તરફ ફાયરબ્રિગ્રેડે પાણીનો મારો ચલાવીને એક્સટન્ટ લેડરની મદદથી ફસાયેલા 27 લોકોનું રેસ્ક્યુ કરીને સહી સલામત નીચે ઉતાર્યા હતા. બાદમાં ફાયરની ટીમે બે લાખ – લિટરથી વધુ પાણીનો મારો ચલાવીને દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
મંગળવારે ગરમી વધારે હોવાના લીધે એસીમાં ઓવરહિટિંગ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત રહીશોને સારવાર માટે અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.