ત્રણ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો
Rajkot,તા.19
શહેરના ભગવતીપરા વિસ્તારમાં શેરી નં.૫ માં આવેલા મકાન અને બાજુમાં આવેલા ડેલામાં મોડી રાત્રીના આગ ભભૂકી ઉઠી હતી. આગના બનાવને પગલે ત્રણ ફાયર ફાઇટરો દ્વારા પોણી કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. મકાનમાં કોઇ રહેતું ન હોય સદભાગ્યે જાનહાની થઇ ન હતી.પરંતુ બાજુમાં આવેલા ઝુપડામાં રહેતા પરિવારને તુરંત જાણ કરી તેમને સલામત બહાર કાઢવામાં આવ્યા હતાં. શોટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આગમાં કેટલું નુકશાન થયું તે આંકડો જાણી શકાયો નથી.
જાણવા મળતી વિગતો મુજબ, ભગતીપરા શેરી નં.૫ શાળા નં.૪૩ પાસે આવેલા મકાનમાં મોડી રાત્રીના આગ લાગી હતી જે અંગે રાત્રીના ૩:૨૭ કલાકે ફાયરને જાણ કરવામાં આવી હતી. જેથી બેડીપરા સ્ટેશનથી ત્રણ ફાયર ફાઇટર દોડાવાયા હતાં. અહીં મકાન અને બાજુમાં આવેલા ડેલામાં આગ લાગી હતી.આાગમાં પ્લાસ્ટિકના બારદાન સળગી ગયા હતાં. ફાયરના સ્ટાફે પોણા કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આગ લાગ્યા અંગે અહીંથી પસાર થનાર મૌલિકભાઇ નામના વ્યકિતએ જાણ કરી હતી. આ મકાન પ્રફુલભાઇ દામજીભાઇ મીઠીયાનું હોવાનું માલુમ પડયું છે. આગની જાણ થતા તેઓ પણ બનાવસ્થળે દોડી આવ્યા હતાં.હાલ મકાન બંધ હોય કોઇ જાનહાની થવા પામી નથી. અહીં નજીકમાં જ ઝુપડામાં પરિવાર રહેતો હોય સલામતીના ભાગરૂપે તેમને તુરંત અહીંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડયા હતાં. શોટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું માલુમ પડયું છે. આગમાં કેટલી નુકશાની થઇ તે જાણી શકાયું નથી.