Ahmedabad, તા. 4
અરબી સમુદ્રમાં સિઝનનું પ્રથમ વાવાઝોડુ `શક્તિ’ સર્જાયુ છે. ડીપ ડિપ્રેશન સિસ્ટમ વધુ શકિતશાળી બનતા વાવાઝોડામાં પરિવર્તિત થઇ છે અને દરિયામાં જ વાવાઝોડાએ આકાર લઇ લીધો છે. જે પોરબંદરથી 420 તથા દ્વારકાથી 460 કિ.મી. દુર છે.
ગુજરાતના દરિયામાં વાવાઝોડુ સર્જાયુ હોવા છતાં રાજયને કોઇ ખાસ ગંભીર અસર થવાની સંભાવના નથી. જોકે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ભાગોમાં વાવાઝોડાની અસરે તેજ પવન સાથે વરસાદ થઇ શકે છે. મહારાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા રીપોર્ટ પ્રમાણે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ મજબુત બનીને `શક્તિ’ વાવાઝોડામાં પરિવર્તીત થઇ ગઇ છે. વાવાઝોડુ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ છે અને આજે ભીષણ વાવાઝોડામાં પરિવર્તીત થયું છે.
આ વાવાઝોડુ દરિયામાં જ આકાર પામ્યું છે અને આગળ વધવા છતાં ભારતના કોઇપણ હિસ્સા સુધી પહોંચતા જ પૂર્વે જ નબળુ પડી જશે એટલે ગુજરાત કે મહારાષ્ટ્ર અથવા કોઇ ભાગોને ગંભીર અસર થવાની શકયતા નથી. પરંતુ દરિયો તોફાની બનશે અને જેને કારણે માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતવણી આપવમાં આવી છે.
રીપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે વાવાઝોડુ પશ્ચિમ દિશામાં ફંટાયુ હોવાથી ગુજરાત પર કોઇ સંકટ નથી છતાં ગુજરાતના દરિયાથી અંદાજિત 450 કિ.મી. દુર છે. દ્વારકાના દરિયાથી 460 કિ.મી., પોરબંદરથી 4ર0 કિ.મી. દુર રહ્યું છે. પ્રતિ કલાક 8 કિ.મી.ની ઝડપે આગળ ધપી રહ્યું છે.
પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વાવાઝોડુ ગંભીર શ્રેણીમાં હોવા છતાં ગુજરાતના સમુદ્ર તટ સુધી પહોંચતા પૂર્વે જ નબળુ પડી જશે.
વાવાઝોડાની કોઇ અસર નહીં થાય તેના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ તથા દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દેશના કોઇપણ ભાગમાં વાવાઝોડાની અસર નહીં પડે. 7 ઓકટોબર સુધી વાવાઝોડાની અસર રહી શકે છે.
વાવાઝોડાના પ્રભાવ હેઠળ વરસાદની સંભાવના વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મુંબઇ, થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગીરી અને સિંધુદુર્ગ જેવા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યુ છે. આ ભાગોમાં 6પ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયો તોફાની બનવાની શકયતાને ધ્યાને રાખીને માછીમારોને સમુદ્રમાં નહીં જવા તથા કાંઠાળ ભાગોમાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અભિજીત મોદકે કહ્યું કે, શકિત વાવાઝોડાની અસરે સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડો વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાનો માર્ગ ભારતીય કાંઠાથી દુર છે. એટલે જમીન પર સીધી અસર નહીં થાય પરંતુ સમુદ્ર તોફાની રહી શકે છે અને એટલે મુખ્યત્વે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.
દરિયામાં તોફાની મોજા ઉછળી શકે છે. 4 થી 6 ઓકટોબર દરિયો ઘણો તોફાની રહેવાની સંભાવના છે. 5 ઓકટોબર સુધી ગુજરાત ઉત્તરીય મહારાષ્ટ્ર તથા પાકિસ્તાનના કાંઠા તથા દરિયા કાંઠે અડીને આવેલા સમુદ્રમાં ઉંચા મોજા ઉછળી શકે છે. મધ્ય મહારાષ્ટ્ર તથા મરાઠાવાડાના ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
કોંકણમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં રાહત ટીમોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠેથી દુર રહેવા અને જરૂર પડયે સુરક્ષીત સ્થળોએ પહોંચી જવાનું જણાવવામાં આવ્યું છે. પ્રવાસીઓને પણ દરિયાકાંઠે નહીં જવાની તાકીદ કરવામાં આવી છે.
સાયક્લોનિકનું `શક્તિ’ નામ કઈ રીત પડ્યું?
સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા દેશ સામેલ છે.
સાયક્લોનિક ‘શક્તિ’નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ ‘તાકાત’ અથવા ‘Power’ થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, નામ અપમાનજનક ન હોવું જોઈએ. નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ. એક વાર ઉપયોગ થઈ ગયા પછી, નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ.