Anand,તા.03
આણંદના લાંભેલ રોડ ઉપર આવેલી દુકાન પાંચ શખ્સોએ પચાવી પાડતા આણંદ શહેર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. આણંદના ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી છે. પરેશભાઈ રમણભાઈ પટેલના દાદા ચતુરભાઈ શીવાભાઈ બિન બેચરભાઈ પટેલની આણંદ લાંભેલ રોડ ઉપર આવેલી એક મોલની બાજુમાં દુકાનો આવેલી છે જેમાં માતા સુલોચના બેનના નામે આવેલી દુકાનો પૈકીની એક દુકાન વર્ષ ૧૯૯૩માં સુલોચના બહેને મનુભાઈ પટેલને ભાડે આપી હતી. સુલોચનાબેન અને મનુભાઈનું પણ અવસાન થયું હતું. જેથી પરેશભાઈએ મનુભાઈના પુત્ર હર્ષદને દુકાનનો નવેસરથી ભાડા કરાર કરવાનું કહ્યું હતું. જો કે, તેમણે ભાડા કરાર કર્યો ન હતો અને નગરપાલિકામાં દુકાનના કબજેદાર તરીકે પોતાનું નામ દાખલ કરાવી દીધું હતું. પરેશભાઈએ દુકાન ખાલી કરવાનું કહેતા હર્ષદભાઈ તથા તેમના પરિવારજનોએ અમારી રાજકીય વર્ગ છે તેમ કહી દુકાન ખાલી કરવાનું કહ્યું તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.પરેશભાઈએ જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. કમિટી દ્વારા તપાસ કર્યા બાદ લેન્ડ ગ્રેબિગનો ગુનો બનતો હોવાથીપાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો નિર્દેશ કર્યો હતો.