Kodinar,તા.29
ગઇકાલ રાતથી વહેલી સવાર સુધી કોડીનાર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે જનજીવન પ્રભાવીત થયું છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીના માત્ર 10 કલાકના સમયગાળામાં કોડીનારમાં પ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.
જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. કોડીનાર અને આસપાસના વિસ્તારોમાં તેમજ મધ્ય ગીરમાં પડેલા ભારે વરસાદના કારણે જામવાળા ગીર ખાતે આવેલ શિંગોડા ડેમમાં વરસાદી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ છે. પાણીની સતત આવક થતાં ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા.
અગાઉ ડેમનો એક દરવાજો 0.05 મીટર જેટલો ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેમાં વધારો કરીને હવે ડેમના 3 દરવાજા 0.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શિંગોડા ડેમમાંથી પાણી છોડવાના કારણે ગીરગઢડા તાલુકાના 2 ગામો અને કોડીનાર તાલુકાના 15 ગામો મળીને કુલ 17 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર ન કરવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે ગ્રામજનોને સૂચના આપવામાં આવી છે.
વરસાદી પાણીની સારી આવકના કારણે જિલ્લાના તમામ ડેમોમાં હાલ ભરપૂર પાણીની આવક થઈ છે, જે આગામી સમય માટે રાહતરૂપ સમાચાર છે. જોકે, તંત્ર દ્વારા લોકોને હાલ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.