Morbi,તા.21
વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં શિવપાર્ક શેરી નં. ૨માં રહેતા ઋષિત અરવિંદભાઈ વ્યાસે રાજકોટના એક યુવકને રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂા. ૮ હજારની ઠગાઇ કર્યાની ફરિયાદ ગઇકાલે થોરાળા પોલીસમાં નોંધાઇ હતી. હવે તેના વિરૂધ્ધ એક યુવાનને રેલવેમાં સફાઈ કામનો કોન્ટ્રાક્ટ અપાવી દેવાના બહાને અને બીજા ચાર યુવાનોને રેલવેમાં નોકરી અપાવી દેવાના બહાને ઠગાઇ કર્યાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
સફાઇ કામના ટેન્ડરના બહાને યુવાન પાસેથી રૂા. ૫.૭૪ લાખ અને નોકરીના બહાને ચાર યુવાનો પાસેથી રૂા. ૧.૨૦ લાખ પડાવ્યા જેથી તેણે રાજકોટ રેલવે જંકશનમાં સફાઇ કામનું ટેન્ડર મેળવવા માટે ઋષિતનો સંપર્ક કરતાં તેણે ટેન્ડર માટે રૂા. ૪૫ હજારની માગણી કરી હતી. જેથી તેણે રૂા. ૨૨ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જો કે બાદમાં શંકા જતાં બીજી રકમ ટ્રાન્સફર કરી ન હતી. તે વખતે ઋષિતે તેને વિશ્વાસમાં લઇ અલગ-અલગ રેલવે સ્ટેશનના સફાઇ કામના કોન્ટ્રાક્ટ અપાવી દેશે તેવો વિશ્વાસ આપતાં તેને કટકે-કટકે કુલ રૂા. ૫.૭૪ લાખ ઓનલાઇન આપ્યા હતાં. પરંતુ તેને ટેન્ડર અપાવ્યું ન હતું.
જેથી સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ કરી હતી. વધુ તપાસ કરતાં તેને જાણવા મળ્યું હતું કે ઋષિતે તેના ફઇના પુત્ર સ્મિત વ્યાસ, આશુતોષ, દિલીપભાઇ જાડેજા અને સુનિલભાઇ ડાભીને રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર નોકરી અપાવવાની લાલચ આપી અનુક્રમે રૂા. ૧૨ હજાર, રૂા. ૧૨,૯૬૦, રૂા. ૮,૨૯૦ અને રૂા. ૮૯ હજાર પડાવી લીધા હતા.
માલધારી સોસાયટી શેરી નં. ૨માં રહેતા અને સાત હનુમાન મંદિર પાસે ટ્રાન્સપોર્ટ પેઢીમાં નોકરી કરતાં કલ્પેશ દિપકભાઈ જોશી (ઉ.વ.૨૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે ૨૦૨૪ના ડીસેમ્બર મહિનામાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે તેમાંથી એક મિત્ર આશુતોષે કહ્યું કે સ્મિતના મામાના દીકરા ઋષિતે તેને રેલવેમાં ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર નોકરી અપાવવાની વાત કરી છે. આ ઉપરાંત તે રેલવેમાં સફાઇ કામનું ટેન્ડર પણ અપાવી દેવાની વાત કરે છે.