New Delhi,તા.24
ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં રવિવારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી વચ્ચે ઉતરથી માંડીને દક્ષિણ સુધીના રાજયોમાં મેઘકહેર સર્જાયો છે. પાટનગર દિલ્હીમાં પુરસંકટ સર્જાયુ છે. જયારે મુંબઈના હાલ બેહાલ બન્યા છે.
પાટનગર દિલ્હીમાં યમુનાનુ જળસ્તર ઝડપભેર વધવા લાગ્યુ છે અને ખતરનાક લેવલ સુધી પહોંચીને કેટલાંક વિસ્તારોમાં પાણી ઘુસવા લાગતા પુરસંકટ સર્જાયુ છે. હરિયાણાના હથિનીકુંડ બૈરાજથી યમુનામાં પાણી છોડવામાં આવનાર હોવાથી જળસ્તર વધુ વધીને ખતરનાક સ્તરથી ઉપર જવાની આશંકા દર્શાવવામાં આવી છે. દિલ્હીનું વહીવટીતંત્ર એલર્ટ બન્યુ છે. અનેક વિસ્તારોમાં સંભવિત પુર સ્થિતિને ધ્યાને રાખીને રેડ તથા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં હળવો-મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હિમાચલ તથા ઉતરાખંડ એકધારા ભારે વરસાદથી ધમરોળાતા રહ્યા છે. અનેક સ્થળોએ ભૂસ્ખલન તથા વાદળ ફાટવાની ઘટનાથી શૈક્ષણિક કાર્ય તથા પરિવહન સેવા અવરોધાયા છે.
મહારાષ્ટ્રના મહાનગર મુંબઈમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે અને માર્ગો જળબંબાકાર બની રહ્યા છે. હવામાન વિભાગે તટીય કર્ણાટક, કોંકણ, ગોવા, છતીસગઢ, તેલંગાણા, વિદર્ભ તથા ઉતર પંજાબમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
પુર્વીય રાજસ્થાન, હરિયાણામાં પણ વરસાદની સંભાવના છે. મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, ઓડિશા જેવા રાજયો માટે પણ આગાહી છે. હવામાન વિભાગે 28 જુલાઈ સુધી ગુજરાત, ગોવા, કોંકણ, કર્ણાટક તથા કેરળના માછીમારોને અરબસાગરમાં નહીં જવાની ચેતવણી આપી છે.