New Delhi તા.4
ભારે વરસાદને પગલે પુરગ્રસ્ત બનેલા દિલ્હીની ભયાનક હાલત છે. યમુનાનું જલસ્તર વધવાથી પુરના પાણી નિચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે. હાલત એવી થઈ છે કે સચીવાલય સુધી પાણી પહોંચી ગયા છે. હજારો લોકો બેઘર થઈ ગયા છે.
વહીવટી તંત્ર લોકોને બચાવવામાં લાગ્યું છે. રાહત શિબિરો ઘટી પડી છે. યમુના નદીના કિનારે બનેલા અનેક પ્રોજેકટસ પણ ડુબી ગયા છે. ગઢી માંડુ ગામના બે લોકો લાપતા છે, જેની શોધખોળ ચાલુ છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ યમુનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાદર વિસ્તારમાં મુખ્ય ગાર્ડન ક્ષેત્રમાં ચાર ફુટ સુધી પાણી ભરાઈ ગયું છે. લોકો પાણીમાંથી ઘરનો સામાન લઈને જતા નજરે પડયા હતા.
કાશ્મીરી ગેટ પાસે પાણી ભરાવાથી વાહનો તણાવા લાગ્યા હતા. બાળકોને થર્મોકોલની સીટને નાવ બનાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 15 હજાર લોકો રાહત શિબિરમાં પહોંચ્યા છે.
દિલ્હીમાં પરીસ્થિતિ એ સર્જાઈ છે કે પુરતી સંખ્યામાં રાહત શિબિરો નથી. લોકો ફુટપાથ પર, ડિવાઈડર પર તાલપત્રી નાખીને રહી રહ્યા છે. કેટલાક લોકોની પાસે તો તાલપત્રી પણ નથી.
બીજી બાજુ યમુના નદી બે કાંઠે વહેતા લોકો આ નજારો જોવા પણ ઉમટી પડયા છે. યમુના કિનારો પિકનીક સ્પોટ બન્યો છે. યમુનાની ઝલક નિહાળવા દિલ્હીવાસીઓ વ્યાકુળ બન્યા છે. કારણ કે સામાન્ય દિવસોમાં યમુનાની કેવી હાલત હોય છે તે કોઈથી છુપું નથી.
યમુના કિનારો હાલ પિકનીક સ્પોટ બન્યો છે. સિગ્નેચર બ્રિજ વદ પુશ્તા રોડ પર લોકો મિત્રો-પરિવારો સાથે યમુનાનું બદલાયેલું સ્વરૂપ જોવા આવી પહોંચ્યા છે. જલસ્તર વધવાથી સાપોનો ખતરો પણ વધ્યો છે. અનેક જગ્યાએ સાપ નજરે પડી રહ્યા છે.
ઉસ્માનપુર, ગઢીમાંડુ ગાંવ, જૂનો લોખંડનો પુલ સોનિયા વિહાર પાસે બુધવારે અનેક સાપ પાણીમાં રસ્તા પર નજરે પડયા હતા. વહીવટી તંત્ર પાસે સાપ પકડવા માટે કોઈ વ્યવસ્થા નથી. જોકે પ્રશાસને રાહત શિબિરોમાં રહેતા લોકોને જંગલી જાનવરો જીવ જંતુઓના ખતરાથી સચેત રહેવા સૂચના આપી છે.
ઉસ્માનપુરા ગામ, ગઢીમાંડુ ગામ અને ખાદર ગામમાં અનેક ડેરીઓ ચાલે છે. અહી લગભગ 2100 ભેંસો છે. જુના લોહાપુલ પાસે ગેરકાયદે ગૌશાળામાં 400 ગાયો છે આ પશુઓનાં છાણથી રસ્તાની ખરાબ હાલત થઈ ગઈ છે. જેના કારણે લોકો લપસી જાય છે.