Gandhinagar તા.17
ગુજરાતમાં આ વર્ષના અંતે જ નવી બનેલી નવ તથા વર્તમાન છ મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે અને રાજયમાં નવા રાજકીય પડકાર પણ સર્જાઈ રહ્યા છે તે સમયે હજુ સુધી અતિ ભારે ન હોય તેવા વરસાદનો પણ જે રીતે રાજયભરમાં હાઈવેથી લઈને મહાનગરથી ગ્રામીણ કક્ષાના માર્ગોમાં વ્યાપક ગાબડા તથા અત્યંત ખરાબ હાલત થઈ તે ઉપરાંત ગંભીરા પુલ દુર્ઘટના સર્જાઈ.
હજુ પણ આ પ્રકારની નાની મોટી દુર્ઘટનાઓનો ભય યથાવત છે તે સમયે પ્રથમ વખત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રકારની સ્થિતિ બદલ રાજયના ટોચના અધિકારીઓથી લઈને જીલ્લા કક્ષાએ જવાબદાર ગણાતા અધિકારીઓ પર આકરો મીજાજ દર્શાવીને અગાઉ થયેલી પ્રી-મોન્સુન કામગીરી છતા પણ શા માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે તેવો આકરો મીજાજ દર્શાવ્યો છે અને એક પખવાડીયામાં જ માર્ગોની હાલતો યોગ્ય કરી દેવા તાકીદ કરી છે.
સામાન્ય રીતે શાંત છતા મકકમ રીતે કામ લેવા માટે જાણીતા બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગંભીરા પુલ દુર્ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે એટલું જ નહીં અમદાવાદથી લઈને રાજયના ગ્રામીણ ક્ષેત્રના જે રીતે ચોમાસાના કારણે માર્ગોની હાલત અત્યંત દયનીય છે અને તેને કારણે રાજયભરમાં લોકોનો આક્રોશ પણ વ્યકત થઈ રહ્યા છે.
તે સમયે મુખ્યમંત્રીએ હવે ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે પૂર્વ એકશન પ્લાન તૈયાર કરેલ છે. તેઓએ રાજયભરના પુલોનું તાકીદે ચકાસણી અને તપાસ કરવા આપેલા આદેશના પગલે રાજયના 133 પુલોને ટ્રાફીક માટે બંધ કરવાની ફરજ પડી છે.
ખાસ કરીને રાજયમાં પ્રી-મોન્સુન કામગીરી માટે કરોડો રૂપિયાના જંગી બજેટ દરેક સ્તરે ફાળવાય છે તે છતા પણ આ પ્રકારની હાલત શા માટે તે જવાબ અધિકારીઓ પાસે માંગ્યો છે.
મુખ્યમંત્રીએ એ પ્રશ્ન પુછયો કે નિયમીત ચકાસણીમાં બધા બ્રીજ ઓકે હોવાના રીપોર્ટ છતા શા માટે 133 બ્રીજ બંધ કરવા પડયા. તેમણે અધિકારીઓની નબળી કામગીરી પકડી પાડી છે. અને તેઓ એરકન્ડીશન ઓફીસમાં બેસીને રીપોર્ટ આપવામાં આવે છે તેવો પ્રશ્ન પૂછયો હતો.
ભૂતકાળમાં આટલા મોટાપાયે માર્ગોની ખરાબ સ્થિતિના રીપોર્ટ આવ્યા નથી. મુખ્યમંત્રીએ અધિકારીઓને એ યાદ અપાવી હતી કે લોકોના ટેકસમાંથી તમારો પગાર થાય છે તે ભૂલતા નહીં અને જવાબદારી હવે કોઈ બાંધછોડ થશે નહીં. સરકાર વારંવાર તેમને માંગણી મુજબ ટીએ-ડીએ આપે છે છતા અધિકારીઓ ફીલ્ડમાં જતા નથી.
મુખ્યમંત્રીએ બે સપ્તાહમાં જ રાજયમાં તમામ માર્ગો ઓકે થઈ ગયા છે તે રીપોર્ટ માંગ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ ગંભીરા પુલ દુર્ઘટનાએ રાજય સરકારને માટે મોટી ચિંતા સર્જી છે. રાજયના 2000થી વધુ પુલોની કામગીરી માર્ગ અને બાંધકામ વિભાગ સંભાળે છે. અને હજારો કરોડના બજેટ અપાય છે છતા પણ આ પ્રકારે સ્થિતિ સ્વીકાર્ય બનશે નહીં.
કોન્ટ્રાકટરો જ સરકારી ફાઈલો ફેરવે છે: વિડીયો વાયરલ
ગુજરાતમાં એક તરફ ખરાબ માર્ગો અને પુલ દુર્ઘટના જેવી ઘટનાઓમાં કોન્ટ્રાકટર અને સરકારી અધિકારીઓની મીલીભગત હોવાનું વ્યાપકપણે માનવામાં આવી રહ્યું છે તે સમયે ભરૂચ જીલ્લાની એક સરકારી કચેરીનો વીડિયો વાયરલ થયો છે.
જેમાં વિપક્ષના એક નેતાએ આ કચેરીની મુલાકાત લીધી હતી. તે સમયે અધિકારીઓ હાજર ન હતા. અને કોન્ટ્રાકટરો જ ઓફીસમાં આટા મારતા હતા. તેઓએ આ અંગે વિડિયો ઉતારી અને વાયરલ કરતા જ સરકાર માટે પણ નવી સંકોચજનક સ્થિતિ બની છે.
ગુજમાર્ગ મોબાઈલ એપ પર 35000થી વધુ ફરીયાદો
રાજય સરકારે માર્ગોની હાલત મુદ્દ લોન્ચ કરેલા ગુજમાર્ગ મોબાઈલ એપમાં છેલ્લા ચાર દિવસમાં ફરીયાદો 226 ટકા વધી ગઈ છે જેમાં સરેરાશ 10767 ફરીયાદોના સ્થાને 35118 ફરીયાદો નોંધાઈ છે.