Junagadh,તા.૨૪
જિલ્લામાં પ્રથમ વખત એક કરોડ કરતાં વધારેની વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સંયુક્ત ઓપરેશન દરમિયાન પકડી પાડ્યું છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે એક વ્યક્તિ જુનાગઢ બીલખા રોડ પર પાદરીયા ગામ પાસે શંકાસ્પદ પ્રવૃતિઓ કરી રહ્યો છે.
પોલીસની ટીમે શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી એક કિલો જેટલી વેલ માછલીની એમ્બર ગ્રીસ મળી આવી હતી. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આજના દિવસે ૦૧ કરોડ ૦૨ લાખ ૫૦ હજાર કરતાં વધારેની થતી હતી.
ભાવનગર, સુરત, અમરેલી બાદ હવે જુનાગઢમાંથી પણ એમ્બરગ્રીસનો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રહેતો પંકજ કુબાવત નામના ૭૨ વર્ષના વૃદ્ધ જુનાગઢ બીલખા રોડ પર પાદરીયા ગામ પાસે આવેલા રેલ્વે ક્રોસિંગ નજીક શંકાસ્પદ હિલચાલ કરતા હોવાની વિગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા પોલીસની ટીમોએ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા તેમની પાસે રહેલી થેલીમાંથી એક કિલો જેટલી સફેદ અને આછા પીળા રંગની વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ મળી આવી હતી. વ્હેલ માછલીની ઉલટીને લઈને પોલીસ પકડમાં રહેલા આરોપી પંકજ કુબાવત કોઈ યોગ્ય ખુલાસો ન કરતા પોલીસે તેની વિધિવત અટકાયત કરી છે.
એસઓજી અને એલસીબીના સંયુક્ત ઓપરેશનમાં આજે જુનાગઢ જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારે એક કરોડ કરતાં પણ વધારે કિંમતની એમ્બરગ્રીસ મળી આવી હતી. આ સમગ્ર મામલાને લઈને એલસીબીના પીઆઇ આર.કે પટેલ માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસને મળેલી ગુપ્ત બાતમીને આધારે જુનાગઢ બિલખા રોડ પરથી તપાસ કરતા મૂળ ભાવનગરના પંકજ કુબાવત પાસે મળી આવી હતી. આ જથ્થો તે ક્યાંથી લાવ્યો કોની પાસેથી લાવ્યો અને કઈ રીતે મળ્યો તેને લઈને કોઈપણ પ્રકારનો સંતોષ કારક ખુલાસો ન કરતા અંતે પોલીસે તેની વિધિવત અટકાયત કરીને ધોરણસરની કામગીરી શરૂ કરી છે.
વ્હેલ માછલીની એમ્બરગ્રીસ પર્ફ્યુમ ઉદ્યોગમાં સૌથી મહત્વનું પરિબળ માનવામાં આવે છે. વિશ્વની સૌથી પ્રસિદ્ધ અને ખૂબ ઊંચી કિંમતના પર્ફ્યુમ બનાવવા માટે એમ્બરગ્રીસનો ઉપયોગ થતો હોય છે, આવું પરફ્યુમ આજે પણ વિશ્વના શોખીન અને માલેતુજાર લોકોની પહેલી પસંદ બને છે. પાછલા એકાદ વર્ષમાં સુરત, ભાવનગર, અમરેલી અને હવે જુનાગઢમાંથી આ પ્રકારે એમ્બ્રરગ્રીસનો જથ્થો પકડાયો છે .
જે દરિયાઈ વ્હેલ માછલીની સૌથી કીંમતી ચીજોની ગેરકાયદેસર વેચાણ અને તેના ખરીદનારનો વર્ગ વધી રહ્યો છે, તેને લઈને પણ સૌથી મોટી ચિંતા જોવા મળે છે. એમ્બરગ્રીસ એકઠી કરવી પણ ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં આ લોકો એમ્બ્રરગ્રીસને કઈ રીતે એકઠી કરીને બજાર સુધી લાવી રહ્યા છે, તે પણ તપાસનો સૌથી મોટો વિષય બની શકે છે.

