Gandhinagar,તા.29
દેશના ઔદ્યોગીક અને વ્યાપારી રાજય તરીકે જાણીતા ગુજરાતમાં વિદેશી મુડીરોકાણનો પ્રવાહ પણ સતત વધતો રહે છે. ખાસ કરીને જે રીતે વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન થાય છે અને વિશ્વભરની કંપનીઓ ગુજરાતમાં પોતાના ઉત્પાદન સહિતના પ્લાન્ટ માટે જાહેરાત કરે છે તેમાંથી ભલે તમામ વાસ્તવિકતા ન બનતા હોય પરંતુ ચોકકસપણે તેના કારણે ગુજરાતમાં ઔદ્યોગીક રોકાણનું આકર્ષણ વધ્યુ છે.
2019 બાદ રાજયમાં 3.47 લાખ કરોડનું નવું વિદેશી સીધુ મુડી રોકાણ આવ્યું છે જે દેશમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી ગુજરાતને ત્રીજા ક્રમે મુકે છે. જો કે 2024-25ના વર્ષમાં રાજયમાં સીધા વિદેશી મુડીરોકાણનો ફલો થોડો ઘટયો છે અને તે રૂા.47947 કરોડ નોંધાયું છે.
જોકે તેના અગાઉના વર્ષમાં રૂા.60600 કરોડનું હતું. ગુજરાત હવે તેના પરંપરાગત રીતે હવે મુડીરોકાણ તેમજ સેમીકંડકટર સહિતના ક્ષેત્રે પણ વિદેશી કંપનીઓ ગુજરાતમાં આ રોકાણ કરવા આવે તે નિશ્ચિત કરી રહ્યું છે.
ખાસ કરીને કોરોનાગાળા પછી જે રીતે મુડીરોકાણને અસર થઈ હતી તેમાં ગુજરાતે ફરી એક વખત ગતિ પકડી લીધી છે. ઓકટોબર 2019 માર્ચ 2021 વચ્ચે રાજયમાં રૂા.181794 કરોડનું મુડીરોકાણ આવ્યું હતું જે 2025ના અંતે રૂા.347572 કરોડ નોંધાયું છે.
જોકે ગત વર્ષે જે મુડીરોકાણ ઘટયું તેની પાછળ વૈશ્વિક અનિશ્ચિતતાને મુખ્ય કારણ ગણવામાં આવે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક એ આ તબકકે ગુજરાતથી આગળ છે. મહારાષ્ટ્રમાં કુલ રૂા.6.9 લાખ કરોડનું રોકાણ આવ્યું છે જયારે તે કર્ણાટકમાં રૂા.4.5 લાખ કરોડનું મુડી રોકાણ આવ્યું છે.