ચીભડા ગામની સરકારી વીડીમાં ઢોર નહિ ચરાવવાનું કહેતા ત્રણ શખ્સોંએ લાકડી વડે માર મારી ખૂનની ધમકી આપી
Rajkot,તા.28
લોધીકા તાલુકાના ચીભડાં ગામની વીડીમાં ઢોર ચરાવવાની ના પાડનાર ફોરેસ્ટ વિભાગના ગાર્ડને ત્રણ શખ્સોંએ લાકડી વડે માર મારી, ખૂનની ધમકી આપી ફરજમાં રુકાવટ કર્યાનો ગુનો નોંધાયો છે.
મામલામાં રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ખીરસરા ગામે રહેતા મૂળ જામનગરના વતની અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ધીરુભાઈ ગોલતરએ લોધીકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માખાવાડ ગામે રહેતા બુધા જેસળભાઈ ગઢવી, રાયદે જેસળભાઈ ગઢવી અને ગોગન જેસળભાઈ ગઢવીનું નામા આપી જણાવ્યું હતું કે,
ગત તા. ૨૭/૦૫/૨૦૨૫ ના આશરે ત્રણ વાગ્યે હું ખીરસરા ખાતે વીડીમાં ફરજ પર હતો. ત્યારે મારા બીટ વિસ્તારના ચિભડા વીડીના ચોકીદાર આમદભાઈ ઉર્ફે બાબુભાઈ ઠેબાનો ફોન આવેલ કે, ચીભડા વીડીમાં બુધાભાઈ જેસળભાઇ ગઢવી ઢોર ચરાવે છે. જેથી હું તરત જ ખીરસરાથી ચીભડાં જવા રવાના થયો હતો. રસ્તામાં મેં અમારા ફોરેસ્ટ ઓફિસર અશ્વિનભાઈ કે. નકુમને બનાવની જાણ કરેલ હતી.
ચીભડા વીડીમાં પહોંચી જોતા ત્યાં બુધાભાઈ જેસરભાઈ ગઢવી ઢોર ચરાવતા હતા. જેથી મે પૂછેલ કે, સરકારી વીડીમાં ઢોર કેમ ચરાવો છો? ત્યાં બુધાભાઈના ભાઈ રાયદે જેસળભાઇ ગઢવી અને ગોગન જેસળભાઇ ગઢવી સાઈન મોટરસાયકલ લઈને ધસી આવેલ હતા. જેથી મે ત્રણેયને ઢોર લઈને વીડીમાંથી નીકળી જવાનું જણાવતા ત્રણેય શખ્સોં એકદમ ઉશ્કેરાય ગયેલ હતા અને કહેવા લાગેલ કે, એક મર્ડર કર્યું છે, બીજું કરતા વાર નહિ લાગે કહી બેફામ ગાળો આપવા લાગેલ હતા. ગાળો નહિ બોલવા અને વીડીમાંથી નીકળી જવાનું કહેતા બુધા ગઢવી અને ગોગન ગઢવીએ તેના હાથમાં રહેલ લાકડી વડે મને જમણા હાથના ખંભાના ભાગે, જમણા પગના સાથળના ભાગે, ડાબા પગના સાથળના ભાગે માર મારવા લાગેલ હતા. દરમિયાન રાયદેભાઈ ગઢવીએ મને શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં અમારા ફોરેસ્ટર આવી જતા તેમણે અને ચોકીદારે મને વધુ માર માંથી બચાવ્યો હતો. બાદમાં ત્રણેય શખ્સોંએ જો હવે પછી તું વીડીમાં દેખાયો તો તને જીવતા નહિ રહેવા દઉં તેમ ધમકી નાસી ગયા હતા. જે બાદ ચોકીદાર આમદભાઈએ મને કહ્યું કે, ઘટનાનો તેમણે વિડીયો ઉતારેલ છે.
મામલાંમાં ફોરેસ્ટ ગાર્ડએ લોધીકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્રણેય હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.