Bangladesh,તા.17
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ (ICT) એ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ટ્રિબ્યુનલે શેખ હસીના, તેમના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ પોલીસ વડાને 2024માં થયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા માટે “માનવતા વિરુદ્ધના ગુનાઓ” માટે દોષિત ઠેરવ્યા છે. આ સાથે તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. શેખ હસીનાની સાથે આ મામલે પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલ અને પૂર્વ ડીજીપી ચૌધરી અબ્દુલ્લા અલ મામૂન પણ આરોપી છે. તમામે માનવતા વિરુદ્ધ ગુના કર્યા છે અને બધાને સજા એ મૌત આપવામાં આવી રહી છે.
ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, “શેખ હસીનાએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટરથી બોમ્બ ફેંકવાના આદેશ આપ્યા હતા.”
ટ્રિબ્યુનલના મુખ્ય તારણો:
આપરાધિક ષડયંત્ર: ટ્રિબ્યુનલે કહ્યું કે શેખ હસીના અને અન્ય આરોપીઓએ સંયુક્ત રીતે એક ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. તેમની પાર્ટી, અવામી લીગના કાર્યકર્તાઓ, પાર્ટીના નેતૃત્વની સંપૂર્ણ જાણકારી હેઠળ સુનિયોજિત રીતે રસ્તા પર ઉતરી આવ્યા અને પ્રદર્શનકારીઓ પર હુમલા કર્યા.
પુરાવા તરીકે ફોન કોલ્સ: ટ્રિબ્યુનલમાં શેખ હસીના અને તેમના મંત્રી હસનુલ હક ઇનુ વચ્ચે થયેલી ફોન પરની વાતચીત પણ વાંચીને સંભળાવવામાં આવી, જેથી હિંસામાં ટોચના નેતૃત્વની ભૂમિકા સાબિત કરી શકાય. આ વાતચીતથી સ્પષ્ટ થયું કે કેવી રીતે શેખ હસીનાએ વિદ્યાર્થીઓના આંદોલનને આતંકવાદી ગતિવિધિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો.
સુરક્ષા દળોનો દુરુપયોગ: ચુકાદા મુજબ, મોટાભાગના મૃત્યુ બાંગ્લાદેશી સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતી ઘાતક ધાતુના છરા ભરેલી સેનાની બંદૂકોથી થયેલી ગોળીબારને કારણે થયા હતા. સેના, પોલીસ અને RAB (રેપિડ એક્શન બટાલિયન) એ ન્યાયિક પ્રક્રિયાની બહાર જઈને હત્યાઓ કરી હતી.
અન્ય કોણ-કોણ દોષિત?
ટ્રિબ્યુનલે શેખ હસીનાની સાથે આ મામલે પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલ અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ મામૂનને પણ સમાન રીતે દોષિત ઠેરવ્યા છે. ટ્રિબ્યુનલે કહ્યું કે ત્રણેયે મળીને માનવતા વિરુદ્ધના ગુના કર્યા.
ટ્રિબ્યુનલના જણાવ્યા અનુસાર, આ હિંસામાં લગભગ 1400 લોકોની હત્યા કરવામાં આવી હતી અને 11,000થી વધુ લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા હતા અથવા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રિબ્યુનલે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કહેવાયું હતું કે રાજકીય નેતૃત્વના નિર્દેશ પર હિરાસતમાં લોકોને ભયાનક યાતનાઓ આપવામાં આવી હતી.
આ કેસમાં પ્રોસિક્યુટર્સે 8,747 પાનાંમાં પુરાવા રજૂ કર્યા છે, જેમાં વિવિધ સંદર્ભો સાથે જપ્ત દસ્તાવેજો અને પીડિતોની વિગતવાર યાદી પણ છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, આ કેસમાં ટ્રિબ્યુનલ તપાસ કરી રહી છે કે આરોપીઓએ ઉશ્કેરણી કરીને આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો કે નહીં?
આ ત્રણેય આરોપી સામે મુખ્ય પાંચ આરોપ
ઉશ્કેરણીજનક ભાષણો અને હુમલાનો દોરીસંચાર:
શેખ હસીનાએ કથિત રીતે 14 જુલાઈ, 2024ના રોજ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા હતા, જેના કારણે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓના જવાનો અને તેમના પક્ષના કાર્યકરોએ જ વિદ્યાર્થીઓ-નાગરિકો પર હુમલા કર્યા હતા.
હેલિકોપ્ટર, ડ્રોન અને સેનાનો નાગરિકો સામે ઉપયોગ કરવાનો આદેશ:
આ ત્રણેય પર દારૂગોળો, હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને પ્રદર્શનોના હિંસક રીતે ડામી દેવાનો આદેશ આપવાનો આરોપ છે.
રંગપુરમાં અબુ સઈદની હત્યા:
16 જુલાઈ, 2024ના રોજ બેગમ રોકેયા યુનિવર્સિટીની સામે એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા થઈ હતી, જેનો આદેશ આપવાનો આરોપ આ ત્રણેય પર છે.
ચંખરપુલમાં છ વિદ્યાર્થીની હત્યા:
5 ઑગસ્ટ, 2024ના રોજ ઢાકામાં છ વિદ્યાર્થીની ગોળી મારી હત્યા થઈ હતી. આ ઓપરેશનનો આદેશ આપવાનો આરોપ પણ આ ત્રણેય પર છે.
આશુલિયામાં છ પુરુષોની હત્યા અને જીવતા સળગાવી દેવાની ઘટના:
5 ઑગસ્ટ, 2024ના રોજ આશુલિયામાં છ લોકોની ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ પૈકી પાંચ મૃતદેહ બાળી નાંખવામાં આવ્યા હતા, જ્યારે એકને કથિત રીતે જીવતો સળગાવી દેવાયો હતો. આ ઘટનામાં પણ દોરીસંચાર આ ત્રણેયે કર્યાનો આરોપ છે.
શેખ હસીનાએ બોમ્બ વડે હુમલો કરવાનો આદેશ આપ્યો હતો : ICT
આઈસીટીએ તેના ચુકાદામાં એ વાતની પુષ્ટી કરી છે કે નિર્દોષ દેખાવકારોની હત્યાઓ કરવામાં આવી છે. બાંગ્લાદેશના પૂર્વ ગૃહમંત્રી પણ આરોપી છે. શેખ હસીનાએ જ બોમ્બ વડે હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.
400 પેજમાં ચુકાદો
ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. શેખ હસીના મામલે 6 પાર્ટમાં ચુકાદો સંભળાવાશે. જે 400 પેજનું છે. જસ્ટિસ ગુલામ મુર્તૂજાની આગેવાની હેઠળની ત્રણ જજોની ટ્રિબ્યુનલ ચુકાદો સંભળાવી રહી છે.
સુનાવણી શરૂ, ચુકાદામાં વાર લાગી શકે!
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગંભીર આરોપોના કેસમાં ચુકાદો આવવાનો સમય આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT) માં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ચુકાદો આવવાની અપેક્ષા છે. ન્યાયાધીશ ગુલામ મુર્તઝાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ટ્રિબ્યુનલ ચુકાદો આપશે. ચુકાદો આવે તે પહેલાં, આખો કેસ વાંચવામાં અને રેકોર્ડ કરવામાં આવશે. તેથી, પ્રક્રિયા લાંબી હોઈ શકે છે, અને ચુકાદામાં સમય લાગી શકે છે.
ઢાકામાં હિંસા અને તંગદિલી
ચુકાદા પહેલા ઢાકામાં રાજકીય હિંસા ચરમસીમાએ પહોંચી ગઈ છે. રવિવારે અનેક દેશી બોમ્બ ફાટ્યા હતા. એકલા 12 નવેમ્બરે જ 32 વિસ્ફોટો થયા હતા, સાથે જ ડઝનબંધ બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે તોડફોડના આરોપમાં શેખ હસીનાની પાર્ટી ‘અવામી લીગ’ના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 400થી વધુ બોર્ડર ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
શેખ હસીનાના દીકરાની સરકારને ખુલ્લી ચેતવણી
દરમિયાન, શેખ હસીનાના પુત્ર અને તેમના સલાહકાર સજીબ વાઝેદે એક ઇન્ટરવ્યુમાં વર્તમાન યુનુસ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી (અવામી લીગ) પરથી પ્રતિબંધ નહીં હટાવાય, તો તેમના સમર્થકો ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પર ગંભીર અસર કરશે અને વિરોધ-પ્રદર્શનો ભારે હિંસામાં પણ ફેરવાઈ શકે છે.
અમને ચુકાદા વિશે ખબર છે…
ચુકાદા અંગે તેમણે કહ્યું, “અમને બરાબર ખબર છે કે ચુકાદો શું આવવાનો છે. તેમને (શેખ હસીનાને) દોષિત ઠેરવવામાં આવશે અને કદાચ મોતની સજા પણ સંભળાવવામાં આવશે. તેઓ મારી માતા સાથે શું કરી શકે છે? મારી મા ભારતમા સુરક્ષિત છે. ભારત તેમને સંપૂર્ણ સુરક્ષા આપી રહ્યું છે અને એક રાષ્ટ્રાધ્યક્ષ જેવો વ્યવહાર કરી રહ્યું છે.”
શું છે મામલો અને ગત વર્ષની હિંસા?
શેખ હસીના પર 2024માં થયેલા છાત્રોના આંદોલન પર ઘાતક કાર્યવાહી કરવાનો આરોપ છે. જોકે, હસીનાએ આ કેસને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો છે. ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશથી ભાગ્યા બાદ તેઓ દિલ્હીમાં નિર્વાસનમાં રહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 15 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે થયેલા સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, 1,400 લોકો માર્યા ગયા હતા. આ હિંસાને 1971ના સ્વતંત્રતા સંગ્રામ બાદની સૌથી ભીષણ રાજકીય હિંસા માનવામાં આવે છે, જેણે બાંગ્લાદેશના ટેક્સટાઇલ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

