Bhavnagarતા.૩૧
સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આ વર્ષે ખેતીમાં મગફળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. મગફળીના ટેકાના ભાવની ખરીદી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેમાં પ્રતિ મણ ૧,૪૫૩ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખી, ભાવફેરની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી માંગ મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે કૃષિ મંત્રી સમક્ષ રજૂ કરી છે.
તેઓ જણાવી રહ્યા છે કે આવું કરવાથી ખેડૂતો અને સરકાર બંનેને ફાયદો થશે. આ ઉપરાંત, ખેડૂતો પાસેથી ૨૦૦ મણ જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે, જેથી કરીને ખેડૂતોને નુકસાન ન થાય અને તેઓને યોગ્ય વળતર મળી રહે, તે માટે આ રજૂઆત કરવામાં આવી છે.
મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું કે, કૃષિ મંત્રીને મેં હમણાં રજૂઆત કરી છે કે વધુ પડતા વરસાદને કારણે મગફળીની ગુણવત્તા ખૂબ નબળી પડી છે. તેથી સરકાર દ્વારા કરવામાં આવતી ખરીદીમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. ખેડૂતોને ભાવફેરની રકમ આપવામાં આવે અને રજિસ્ટર થયેલા ખેડૂતોને વિકલ્પ આપવામાં આવે કે નવેમ્બરથી માર્ચ સુધી પોતાની અનુકૂળતા મુજબ વેચાણ માટે માર્કેટમાં લઈ જવા.
જ્યારે મગફળી વેચાણ માટે આવે ત્યારે તેમાં ભાવફેર આપવામાં આવે છે, જેમકે જો નવેમ્બરમાં લાવવામાં આવે તો ૧૫૦ રૂપિયા પ્રતિ મણ મળે, અને એ જ મગફળી જો માર્ચમાં લાવવામાં આવે તો ૨૫૦ રૂપિયા પ્રતિ મણ મળે. આ રીતે, સરેરાશ ૨૦૦ રૂપિયા ગણીએ તો લગભગ ૯,૩૨,૦૦૦ નોંધાયેલા ખેડૂતોને ૨૦૦ મણ મગફળીના ૨૦૦ રૂપિયા પ્રતિ મણ મુજબ મહત્તમ ૪૦,૦૦૦ જેટલી રકમ મળી શકે. આ પ્રણાલીમાંથી ખેડૂતોને લાભ થાય છે અને મગફળીની ગુણવત્તા અંગે કોઈપણ ખરાઈ કરવામાં આવતી નથી.
હાલ મગફળી ૮૦૦ રૂપિયાથી ૧,૪૦૦ રૂપિયા સુધી વેચાઈ રહી છે. કોને સહાય આપવી અને કોને ન આપવી તે નક્કી કરવું મુશ્કેલ છે. ભેજવાળી નબળી મગફળી સરકાર ખરીદશે તો ભવિષ્યમાં ક્વોલિટીને લઈને વધુ નુકસાન થઈ શકે છે. આવું કરવાથી સાચા ખેડૂતોને ફાયદો થાય છે અને તેમને સંતોષજનક વળતર આપી શકાય છે.

