Mumbai, તા.28
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ ટીમ ઈન્ડિયા પર ગંભીર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, રોહિત શર્મા જેવા ખેલાડીઓને બાકાત રાખવા માટે ટીમમાં બ્રોન્કો ટેસ્ટ સામેલ કરવામાં આવી રહ્યો છે.
ભારતીય ટીમના ખેલાડીઓની ફિટનેસ માટે ટૂંક સમયમાં બ્રોન્કો ટેસ્ટ શરૂ થવા જઈ રહ્યો છે. આ ટેસ્ટ પાસ કર્યા પછી જ કોઈપણ ખેલાડી ટીમમાં સ્થાન મેળવી શકશે. આ ટેસ્ટ અંગે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ હવે એવું નિવેદન આપ્યું છે જે ખરેખર ચોંકાવનારું છે.
રગ્બી સ્ટાઈલ બ્રોન્કો ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય રોહિત શર્મા જેવા ખેલાડીઓને ટીમથી બહાર રાખવાનો પ્રયાસ છે. રોહિત શર્મા 38 વર્ષનો થઈ ગયો છે અને તે 2027 માં વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે, પરંતુ જો તે બ્રોન્કો ટેસ્ટમાં નિષ્ફળ જાય છે, તો તેના માટે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે.
મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, બ્રોન્કો ટેસ્ટ ODI કેપ્ટન રોહિત શર્મા માટે મુશ્કેલ બનશે. તેણે કહ્યું, ’2027 વર્લ્ડ કપ યોજનામાંથી વિરાટને બાકાત રાખવું મુશ્કેલ હશે પરંતુ મને શંકા છે કે રોહિતને આ યોજનામાં ભાગ્યે જ સામેલ કરવામાં આવશે, કારણ કે હું ભારતીય ક્રિકેટમાં આવું જ જોઈ રહ્યો છું.
મારું માનવું છે કે થોડા દિવસો પહેલા શરૂ થયેલ બ્રોન્કો ટેસ્ટ રોહિત શર્મા જેવા ખેલાડીઓ અને તે લોકો માટે છે જેમને ટીમ મેનેજમેન્ટ ભવિષ્યમાં ટીમનો ભાગ બનાવવા માંગતું નથી.’