Junagadh, તા.26
માણાવદરના સારંગ પીપળી ગામે ગ્રામ પંચાયતને પાણીના સ્ત્રોત માટે ફાળવાયેલ સરકારી માલ સામાન પૂર્વ મહિલા સરપંચે પોતાના અંગત ઉપયોગમાં લઇ ગ્રામ પંચાયતને પરત ન આપતા તલાટી મંત્રી દ્વારા પૂર્વ મહિલા સરપંચ સામે રૂા. 1.61 લાખનો મુદામાલ વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાની ફરિયાદ માણાવદર પોલીસમાં નોંધાવી છે.
હાલના સરપંચ કાન્તીભાઇ નાથાભાઇ મારૂએ આરટીઆઇ મુજબ કાર્યપાલક ઇજનેર પાસે તેમના ગ્રામનાની વર્ષ ર016થી ર0ર1 સુધીની માહિતી માંગતા જેમાં 40 એમ.એમ.નો 100 મીટર પાઇપ, 7.5નો સબમર્શીબલ પમ્પનો સેટ, 72 મીટર કેબલ, 12.5 એચ.પી.નો પમ્પ સેટ સહિતની ચીજવસ્તુઓ તા. 2-3-2019ના આપવામાં આવી હતી જેની કિંમત રૂા. 1,61,313 થાય છે.
જે માલ સામાન પૂર્વ સરપંચ ડેનીશાબેન નિમેષભાઇ ટીલવા રહે. ગેઇટ પાસમાં સહી કરીને મેળવ્યો હતો. જે માલસામાન હાલમાં પણ પંચાયત હસ્તક જ ન હોવાથી સરપંચ કાન્તીભાઇએ ટીડીઓને ફરિયાદ કરી હતી. જેની તપાસ તલાટી મંત્રીને સોંપવામાં આવેલ જેની તપાસમાં ડેડ સ્ટોક રજીસ્ટરમાં ચડાવેલ જ ન હતો. માલસામાન આવ્યો ત્યારે તલાટી મંત્રી તરીકે લીલુબેન કરશનભાઇ મોઢવાડીયા હતા તેની પાસે ગેઇટ પાસ રજુ ન કર્યો હોવાથી ડેડ સ્ટોકમાં ચડાવેલ ન હતો.
હાલ આ તપાસ સર્કલ અધિકારીએ પૂર્વ સરપંચ, પંચાયતના સભ્યો હાલા સરપંચને સાથે રાખી તપાસ કરતા માલ સામાન ન મળતા પૂર્વ મહિલા સરપંચ ડેનિસાબેનને નોટીસ આપી પંચાયતનો સામાન આપી દેવાની જાણ કરવા છતાં આજદિન સુધી માલ સામાન ન આપતા સારંગ પીપળીના તલાટી મંત્રી લીલુબેન કરશનભાઇ મોઢવાડીયા એ પૂર્વ સરપંચ ડેનીશાબેન ટીલવા સામે ગ્રામ પંચાયતનો માલ સામાનનો અંગત ઉપયોગ કર્યાની સરકારી મિલ્કતનો ગેરઉપયોગ કર્યાની માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.