તેઓ છેલ્લા ૧૦ મહિનાઓથી પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહ્યા હતા : હવે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી
New Delhi, તા.૩૧
હોકી જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ૧૯૭૨માં મ્યુનિક ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવનાર બ્રોન્ઝ મેડલ વિજેતા મેન્યુઅલ ફ્રેડરિકનું શુક્રવારે અવસાન થયું છે. ૩૧ ઓક્ટોબરે તેમણે અંતિમ શ્વાસ લીધા.
તેઓ છેલ્લા ૧૦ મહિનાઓથી પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહ્યા હતા. જોકે, હવે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી છે. આ સમાચારથી ભારતીય હોકીમાં શોકને લાગણી ફેલાઈ છે.
મેન્યુઅલ ફ્રેડરિકનો જન્મ ૨૦ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ કેરળના કન્નુર જિલ્લાના બાર્નાસિરીમાં થયો હતો. ફ્રેડરિક ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર કેરળના પહેલા ખેલાડી બન્યા હતા. જોકે,એ પછી કેરળમાં જન્મેલા પીઆર શ્રીજેશે ટોક્યો ૨૦૨૦ અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતીય રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ફ્રેડરિકને ૨૦૧૯ માં યુવા મામલે અને રમતગમત મંત્રાલય દ્વારા ’ધ્યાનચંદ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હોકી ઈન્ડિયાના અધ્યક્ષ દિલીપ તિર્કીએ દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, ’મેન્યુઅલ ફ્રેડરિકો ભારતના શ્રેષ્ઠ ગોલકીપરોમાંથી એક હતા. ભારતીય હોકીના સુવર્ણ યુગમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના પ્રદર્શનથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જોનારા ઘણા ખેલાડીઓને પ્રેરણા મળી છે. હોકી ઈન્ડિયા વતી, હું તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભારતીય હોકીએ એક મહાન ખેલાડી ગુમાવ્યો છે, પરંતુ તેમનો વારસો હંમેશા જીવંત રહેશે.
તો, હોકી ઈન્ડિયાના મહાસચિવ ભોલાનાથ સિંહે પણ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે આ હોકી જગત માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. મેન્યુઅલ ફ્રેડરિકોની સખત મહેનત અને સમર્પણ અને ખાસ કરીને કેરળ જેવા બિન-પરંપરાગત હોકી રાજ્યમાંથી આવતાં હોવા છતાં અસંખ્ય યુવાનો માટે પ્રેરણારૂપ હતા. તેમનું અનુશાસન અને દેશ સેવા હંમેશા યાદ રહેશે. અમે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર સાથે જ ઉભા છીએ.

