Mumbai,તા.29
ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20I સીરિઝ રમવા માટે ઉત્સુક છે. આ સીરિઝ 29 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પૂર્વ મેચ રેફરીએ ટીમ ઈન્ડિયા પર મોટો આરોપ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અંગે પણ મોટો ખુલાસો કર્યો છે.
પૂર્વ ICC મેચ રેફરી ક્રિસ બ્રૉડે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, મેચ રેફરી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મને એક ફોન આવ્યો હતો, જેમાં મને ટીમ ઈન્ડિયા પ્રત્યે ઢીલું વલણ રાખવા દબાણ કરાયું અને ભારત પર સ્લો ઓવર રેટ માટે દંડ લાદવાનું ટાળવા કહેવામાં આવ્યું હતું. જોકે, તેણે એ ન જણાવ્યું કે તેને કોણે ફોન કર્યો હતો. ક્રિસ બ્રૉડને યાદ નથી કે તે કઈ મેચ હતી અને તે મેચમાં ભારત સામે કઈ ટીમ રમી રહી હતી.
ક્રિસ બ્રૉડે કહ્યું કે, મેચના અંતે ભારત ત્રણ કે ચાર ઓવર પાછળ હતું, તેથી તેના પર પેનલ્ટી લાગે એમ હતું. મને ફોન આવ્યો કે ઢીલું વલણ રાખો, થોડો સમય લો કારણ કે આ ભારત છે.’ તેથી અમારે થોડો સમય કાઢવો પડ્યો અને ઓવર-રેટને નિર્ધારિત સમયથી નીચે લાવવી પડી. પૂર્વ મેચ રેફરીએ આગળ જણાવ્યું કે, આગલી મેચમાં પણ આવું જ થયું. તત્કાલીન ભારતીય કેપ્ટન, સૌરવ ગાંગુલી, મારી વાત ન સાંભળી, તેથી મેં ફોન કરીને પૂછ્યું કે, હવે તમે મારા પર શું કરાવવા માગો છો?’ અને મને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે, બસ તેમની સાથે જ કરો.
ક્રિસ બ્રૉડે આગળ કહ્યું કે, ‘મને લાગે છે કે વિન્સ વૈન ડેર બિજલ (ICC અમ્પાયર મેનેજર) જ્યાં સુધી આ પદ પર હતા ત્યાં સુધી અમને તેમનું સમર્થન મળ્યુ હતું, કારણ કે તેઓ ક્રિકેટ બેકગ્રાઉન્ડથી હતા, પરંતુ તેમના ગયા પછી મેનેજમેન્ટ ઘણું નબળું પડી ગયું. ભારતને બધા પૈસા મળી ગયા અને હવે તેણે ઘણી રીતે ICC પર કબજો કરી લીધો છે.’તેણે કહ્યું કે, ‘મને ખુશી છે કે હું હવે આ પદ પર નથી, કારણ કે તે પહેલા કરતા ઘણું વધારે રાજકીય પદ છે.’ ક્રિસ બ્ર઼ૉડે મેચ રેફરી તરીકે 123 ટેસ્ટ, 361 વનડે અને 138 ટી20 મેચમાં મેચ રેફરીની ભૂમિકા ભજવી છે. તેણે ફેબ્રુઆરી 2024માં આ પદ પરથી નિવૃત્તિ લીધી હતી.

