Lahore,તા.૨૩
પાકિસ્તાનની પંજાબ પોલીસે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના ભત્રીજા શહરેજ ખાનની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે શહરેજને ૯ મે, ૨૦૨૩ ના રમખાણો સંબંધિત કેસોમાં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે શહરેજનું અપહરણ થયું હોવાનો ઇનકાર કર્યો છે.
ડીઆઈજી (તપાસ) ઝીશાન રઝાએ જણાવ્યું હતું કે, “પંજાબ પોલીસ દ્વારા શહરેજ ખાનની ધરપકડ કરવામાં આવી છે. તે ૯ મેના રમખાણોમાં વોન્ટેડ હતો અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ પ્રત્યે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવવામાં આવશે નહીં.” નોંધનીય છે કે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ આરોપ લગાવ્યો હતો કે શહરેજનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પાર્ટીના વરિષ્ઠ નેતા ઝુલ્ફી બુખારીએ મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સામાન્ય કપડાં પહેરેલા કેટલાક લોકો ઇમરાન ખાનની બહેન અલીમા ખાનના ઘરમાં ઘૂસી ગયા, સ્ટાફને માર માર્યો અને શહરેજને લઈ ગયા, જ્યારે તેમનો રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આ કાયરતાની પરાકાષ્ઠા છે અને અમે તેની સખત નિંદા કરીએ છીએ.” પીટીઆઈએ શું આરોપ લગાવ્યો
પીટીઆઈ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “શહેરેઝ ખાન, જે એક આંતરરાષ્ટ્રીય ખેલાડી છે, તેમનું તેમના બેડરૂમમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેમના બે નાના બાળકોની સામે તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો અને નોકરોને પણ અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. ઇમરાન ખાનની બહેન અલીમા ખાન લાંબા સમયથી પાકિસ્તાની લશ્કરી સ્થાપનાની ટીકા કરી રહી છે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે ઇમરાન ખાને પહેલાથી જ પાર્ટીના સભ્યોને કહ્યું છે કે જો તેમને જેલમાં કંઈ થાય છે, તો તેના માટે આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને સીધા જવાબદાર ઠેરવવા જોઈએ.
૭૨ વર્ષીય ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩ થી જેલમાં છે અને તેમની સામે અનેક ફોજદારી કેસ ચાલી રહ્યા છે. તેમના બીજા ભત્રીજા હસન નિયાઝીને પણ ૯ મેની ઘટના સંબંધિત કેસમાં લશ્કરી અદાલતે દોષિત ઠેરવ્યા છે. આ ઘટનાઓને પાકિસ્તાનના ઇતિહાસમાં સેના વિરુદ્ધ સૌથી સંગઠિત વિરોધ પ્રદર્શનોમાંની એક માનવામાં આવતી હતી.