New Delhi,તા.06
ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી કરવાના અજિત અગરકરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. શ્રીકાંતે સંજુ સેમસનને લઈને અગરકરની ટીકા કરી હતી. સંજુ સેમસનને ઓસ્ટ્રેલિયા સામે 19 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ODI સીરિઝ માટે બેકઅપ વિકેટકીપર તરીકે અવગણના કરી હતી. ઋષભ પંતની ઈજાને કારણે સંજુ સેમસનને ODI ટીમના બેકઅપ વિકેટકીપર સ્થાન માટે દાવેદાર માનવામાં આવતો હતો, કારણ કે KL રાહુલ હવે નિયમિત વિકેટકીપર છે, પરંતુ પસંદગીકારોએ તેના બદલે ધ્રુવ જુરેલને તક આપી છે.અહીં રસપ્રદ વાત એ છે કે,સંજુ સેમસનને 2023 ના અંતમાં દક્ષિણ આફ્રિકામાં સીરિજની નિર્ણાયક મેચમાં તેની છેલ્લી ODI મેચમાં સદી ફટકારી હતી, ત્યારબાદ તેને પછીની સીરિઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો. સેમસનને બહાર રાખવાના નિર્ણય પર દુઃખ વ્યક્ત કરતા શ્રીકાંતે કહ્યું કે, 30 વર્ષીય ખેલાડીને પહેલા તક આપવી જોઈતી હતી કારણ કે, તે રેન્કિંગમાં આગળ હતો.શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘ફરીથી ઘણો અન્યાય થયો. સંજુને ટીમમાં હોવું જોઈતુ હતું, કારણ કે તેણે તેની છેલ્લી વનડેમાં સદી ફટકારી હતી. એવું લાગે છે કે, દરરોજ દરેક ખેલાડી માટે કારણો બદલાય છે. એક દિવસ તમે તેને પાંચમા નંબર પર બેટિંગ કરવા મોકલો છો, બીજા દિવસે તે ઓપનિંગ કરે છે. તો ક્યારેક તમે તેને સાતમા કે આઠમા નંબર પર મોકલો છો. ધ્રુવ જુરેલ અચાનક કેવી રીતે ટીમમાં આવ્યો? સંજુ પ્લેઇંગ ઇલેવનમાં હોય કે ન હોય, તેને પહેલી તક આપવી જોઈતી હતી.’