Junagadh તા.18
જુનાગઢ જીલ્લામાં 4 કરોડથી વધુ શિષ્યવૃતિ કૌભાંડમાં એસઓજીએ ચાર સંચાલકોની ધરપકડ કરી 6 દિવસના રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે, મેંદરડા ખાતે તપાસ કરતા જે સંસ્થાના નામે શિષ્યવૃતિ ચાઉં કરી તેવી કોઈ સંસ્થા હાલ કાર્યરત મળી ન હતી, ત્રણ સંસ્થાઓના નામે સૌથી વધુ રૂા.1.81 કરોડ ગપચાવી લેનાર માંગરોળનો શખ્સ હજુ ફરાર છે જેને પકડવા એસઓજી દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
જુનાગઢ જીલ્લામાં આવેલી 12 સંસ્થાના સંચાલકોએ વિદ્યાર્થીઓના નામે નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણની કચેરીમાંથી રૂા.4.60 કરોડ રૂપિયા શિષ્યવૃતિના નામે લઈ વિદ્યાર્થીઓને આપ્યા ન હતા. ગત તા.15-7-2023ના અનુ.જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામકે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
જેની તપાસમાં 2245 વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ કબજે કરવામાં આવ્યા હતા. તેમજ બેંક ડીટેઈલ મંગાવી હતી. એસઓજીએ તાલાલા તાલુકાના જેપુરના ક્રિષ્ના એકેડમીના સંચાલક રમેશ કાળુ, માળીયા તાલુકાના ગળોદરના પ્રશિક્ષણ એજયુકેશનના સંચાલક રમણીક નાથા રાઠોડ, મુળ માળીયાના કડાયાના અને હાલ અમદાવાદ રહેતા પેરામેડીકલ સ્કુલના સંચાલક ભાવીન લાલજી ડઢાણીયા, મુળ ચોરવાડ હાલ કેશોદના ક્રિષ્ના ઈન્સ્ટીટયુટના સંચાલક જગદીશ ભીખા પરમારની ધરપકડ કરી હતી. કોર્ટે 6 દિવસના રીમાન્ડ પર સોંપ્યા હતા.
ગઈકાલે એસઓજીના પીઆઈ જે.જે. પટેલ અને સ્ટાફે કેશોદના જગદીશ ભીખા પરમારે મેંદરડા બે સંસ્થા ચાલુ હતી ત્યાં હાલ આવી કોઈ જ સંસ્થા કાર્યરત ન હતી. જગ્યાના માલીક નીતીન રમેશ ઢેબરીયાની પુછપરછમાં જગદીશ પરમારે આ જગ્યા ભાડે રાખી હોવાનું જણાવ્યું હતું.
માણાવદરમાં આવેલી રોયલ ઈન્સ્ટીટયુટમાં તપાસ કરતા ત્યાં સંસ્થા હંસાબેન યાદવના નામે રજીસ્ટર થયેલ હોય જયારે માણાવદરની ગુજરાત ઈન્સ્ટીટયુટનો માલીક માંગરોળનો ઉમર ફારૂક મહમદ ઈબ્રાહીમ અમરેલીયા હોવાનું ખુલ્યું છે. ત્રણેય સંસ્થાઓના નામે રૂા.1.82 કરોડની રકમ વિદ્યાર્થીઓને ચુકવી ન હતી. વધુ પુછપરણ હાલ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.