સોનાની લેતીદેતી મામલે જાનથી મારી નાખવાની ધમકી આપનાર ટોળકી વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ગુનો
Rajkot,તા.14
શહેરના પુજારા પ્લોટમાં રહેતા વેપારીને પૈસાની ઉઘરાણીમાં ચાર શખ્સોં ગાળો આપી, ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ ભક્તિનગર પોલીસના ચોપડે નોંધાયો છે. મામલામાં પોલીસે ચાર શખ્સોં વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પુજારા પ્લોટમાં ગાત્રાળ ચોક નજીક સ્નેહ એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય વેપારી શૈલેષભાઇ ગોવીંદભાઈ પાલાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું એસ્ટ્રોન ચોક પાસે આવેલ હીંગળાજ જ્વેલર્સ નામની દુકાને સોના-ચાંદી તથા ઈમીટેશનનુ કામ કરી ગુજરાન ચલાવુ છુ. ગઈ તા. ૧૨/૦૫/૨૦૨૫ ના રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યે હુ મારા ઘરે હાજર હતો. તે દરમ્યાન નીશીતનો મને ફોન આવેલ કે, રૈયાધાર ખાતે આવો અને ત્યા કુણાલભાઇ આવે છે. જેથી હુ મારુ મોટરસાયકલ લઈને રૈયાધાર જવા નીકળેલ હતો. હુ રસ્તામાં હતો દરમ્યાન નીશીતભાઇનો મને ફરીવાર ફોન આવેલ કે હવે તમે નાણાવટી ચોક ખાતે આવો તેમ જણાવેલ જેથી હું નાણાવટી ચોક ખાતે પહોંચેલ હતો. જ્યાં નીશીત તથા કુણાલ બન્ને હાજર હતા.
નીશીત તથા કુણાલ બંને મારી પાસે પૈસા માગતા હોય કુણાલએ મને કહેલ કે તુ મારા પૈસા આપી દે કહી ગાળો આપી હતી. બાદમાં કૃણાલે મને ફડાકો ઝીંકી દીધો હતો. દરમિયાન એલ કાર ધસી આવી હતી જેમાંથી એક અજાણ્યો શખ્સ ઉતર્યો હતો અને તેણે મને બેફામ ગાળો આપી તું મને ઓળખતો નથી કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. દરમિયાન પત્નીએ પોલીસને ફોન કરતા તમામ શખ્સોં નાસી ગયા હતા. એકાદ વર્ષ પહેલા મે કુણાલ પાસેથી આશરે ૧૬૫ ગ્રામ સોનુ લીધેલ હતુ જે સોનાની કીંમત જે-તે વખતે દસ લાખ રૂપીયા જેટલી થતી હતી. તે પૈસા મારી પાસે માગતા હોય, જે પૈસા હાલ મારી પાસે ના હોઈ અને મે અગાઉ તેઓને આશરે ત્રણેક લાખ રૂપીયા આપી દિધેલ હોય બાકીના પૈસાની ઉઘરાણીમાં તમામ શખ્સોંએ ફડાકા ઝીંકી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મામલામાં વેપારીએ ભક્તિનગર પોલીસમાં નિશિત, કૃણાલ સાગર, રોહિત વાઢેર અને દિવ્યેશ ઘઘડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેયને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.