Gandhinagar તા.16
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં તા.01 જૂલાઈ 2025 થી તા.30 સપ્ટેમ્બર 2025 સુધી ‘જન સુરક્ષા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં ’જન સુરક્ષા અભિયાન’ને પ્રોત્સાહન આપવા PM જનધન સહિત કેન્દ્રની ચાર યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા VCE ને મહેનતાણા તરીકે રૂ.20/- ચૂકવવામાં આવશે
આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત જે નાગરિકોના બેંક એકાઉન્ટ નથી તેઓના બેંક એકાઉન્ટ ખોલાવા તેમજ નિષ્ક્રિય થઈ ગયેલા એકાઉન્ટમાં Re-KYCકરી ફરીથી ચાલુ કરવા તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોનું નામાંકન કરાવવા જેવી સુવિધાઓ હવે ગ્રામીણ કક્ષાએ VCE દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવા તા.01 જૂલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે.
ગ્રામ પંચાયતોની કામગીરીને ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન, સુવ્યવસ્થિત, સમયબદ્ધ, સરળ અને ઝડપી બનાવવા ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત 14,181 ગ્રામ પંચાયતો ખાતે કોમ્પ્યુટર અને તેને આનુષાંગિક સાધનસામગ્રી જરૂરી સોફટવેર સહિતના સાધનો પુરા પાડવામાં આવ્યા છે.
ઈ-ગ્રામ પંચાયતો ખાતે પી.પી.પી મોડેલથી ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (વી.સી.ઈ) જોડાયેલા છે. ઈ-ગ્રામ પંચાયતો ખાતેથી વી.સી.ઈ દ્વારા વિવિધ G2C (ગર્વમેન્ટ ટુ સીટીઝન) અને B2C (બીઝનેસ ટુ સીટીઝન) ઓનલાઈન સેવાઓ ગામડાઓમાં પુરી પાડવામાં આવી રહી છે.