હવે આગળના એક વર્ષમાં વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં નવા ચાર સેન્ટર શરૂ કરવામાં આવશે
Gandhinagar, તા.૨૪
રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં કાર્યરત આઈ-હબ પછી હવે આગળના એક વર્ષમાં વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં નવા ચાર સેન્ટર શરૂ કરવામાં આવશે. આ નિર્ણય તાજેતરમાં યોજાયેલી ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠકમાં લેવાયો હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. સરકારનો ઉદ્દેશ રાજ્યના વિવિધ વિસ્તારોમાં નવીનતા, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ કલ્ચર અને ઉદ્યોગી પ્રતિભાને સશક્ત બનાવવાનો છે.
માહિતી મુજબ આગામી દિવસોમાં શરૂ થનારા આ સેન્ટરો મારફતે યુવા ઉદ્યોગકારો, વિદ્યાર્થી અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને કલ્પના થી લઈને કોન્સેપ્ટ અને ત્યારબાદ કમર્શિયલાઈઝેશન સુધીની સંપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવશે. આ હબ મારફતે લાખો રૂપિયાની સ્ટાર્ટઅપ ગ્રાન્ટ, માર્ગદર્શન, ટે? સપોર્ટ, ટેકનિકલ કન્સલ્ટેશન, મેન્ટોરશિપ તેમજ સીડ ફંડિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારનું માનવું છે કે વધતી સ્પર્ધામાં ગુજરાતના યુવાનોને ટેક્નોલોજીકલ મુદ્દે પાછળ ન રહી જવું જોઈએ તેના માટે આ કેન્દ્રો મહત્વપૂર્ણ સાબિત થશે. તાજેતરની બેઠકમાં આઈ હબના કાર્યક્ષેત્ર, નીતિગત બાબતો અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવાયુ હતું કે નવા સેન્ટરો માટે બિલ્ડિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોફ્ટવેર સપોર્ટ અને પ્રશાસન માટેની તૈયારી આગામી મહીનાઓમાં પૂર્ણ થશે. ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીને વધુ અસરકારક બનાવવા માટે તેના અમલ, મોનિટરીંગ અને પ્રદર્શન અંગે પણ ચર્ચા થઈ હતી.
સૂત્રોનું કહેવું છે કે આઈ હબના હાલના સીઈઓની ટર્મ સમાપ્ત થતી હોવાથી બીજી ટર્મ આપવી કે નહીં તેની ચર્ચા પણ બેઠકમાં થઈ હતી. કેટલાક સભ્યોનું માનવું હતું કે સરકારી સાહસ હોવાના કારણે સીઈઓ તરીકે કોઈ આઈએએસ અધિકારી, સરકારી કોલેજના વરિષ્ઠ પ્રોફેસર અથવા વાઈસ ચાન્સેલર જેવો અનુભવી વ્યક્તિ હોવો વધુ યોગ્ય છે. હાલમાં આ જવાબદારી એક ખાનગી વ્યક્તિ પર છે, જેને લઈને બેઠકમાં કેટલાક સભ્યોની શંકા અને વાંધો વ્યક્ત થયા હતા.

