Rajkot, તા.27
ગુજરાતમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે ત્યારે રાજકોટમાં ત્રણ દિવસમાં કોરોનાના નવા ચાર કેસ આવી ગયા છે. આ સાથે રાજકોટમાં અત્યાર સુધીના કુલ કેસનો આંકડો પાંચ થયો છે. આ તમામ દર્દીઓની સામાન્ય સ્થિતિ વચ્ચે પ્રથમ દર્દી સ્વસ્થ પણ થઇ જતા ચિંતાની કોઇ વાત નહીં હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.
દેશમાં કોરોનાની નવી લહેર ચાલી રહી છે. ગઇકાલે ધીમે ધીમે દેશમાં આ આંકડો 1000ને પાર થયો હતો. આ સાથે ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. ગત સપ્તાહે તા. 19ના રોજ મવડીના એક વિસ્તારમાં કોરોના પોઝીટીવ દર્દી નોંધાતા આરોગ્ય વિભાગની ટીમે દોડીને સર્વેલન્સ કામગીરી કરી હતી.
કોઇ ચિંતાની વાત આ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા દર્દી હોમ આઇસોલેટ થયા બાદ હવે તેઓ કોરોના મુકત થઇ ગયા છે. આ વિસ્તારમાંથી કોરોનાનો અન્ય કોઇ કેસ બહાર આવ્યો નથી.
દરમ્યાન છેલ્લા થોડા દિવસોની વાત કરીએ તો તા.ર3ના રોજ 1, તા. 24ના રોજ 2 અને તા. 26ના રોજ 1 દર્દી નવો નોંધાયો છે. તા. 23ના રોજ 39 વર્ષના મહિલાને કોરોના નિદાન થયું હતું.
તેઓ શિવ પાર્ક વિસ્તારમાં રહે છે. તા. 24ના રોજ બે કેસ આવ્યા હતા. ગોવિંદનગરમાં રહેતા 74 વર્ષના પુરૂષ તથા સિલ્વર સોસાયટીમાં રહેતા પર વર્ષના પુરૂષને પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. બંને દર્દીની તબીયત સ્થિર છે.
આ બાદ ગઇકાલ તા. 26ના રોજ રૈયા રોડના શિવાજી પાર્ક વિસ્તારમાં એક નવો કેસ નોંધાયો હતો. આ સાથે આઠ દિવસમાં રાજકોટમાં કોરોનાના કુલ પાંચ દર્દી નોંધાયા છે. નવા તમામ દર્દી હોમ આઇસોલેટ છે. આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. પરંતુ કોઇ નવા દર્દી મળ્યા નથી.
ટેસ્ટીંગ કઇ રીતે થાય છે
હાલ કોરોનાની કોઇ મોટી લહેર નથી. સિવિલ હોસ્પિટલમાં તકેદારી માટે વ્યવસ્થાઓ કરાઇ છે પરંતુ ટેસ્ટીંગ માટે કોઇ મોટી સિસ્ટમ ઉભી કરવામાં આવી નથી. હાલના વાતાવરણમાં શરદી, ઉધરસ અને તાવના લક્ષણો હોય તેવા દર્દીઓ ફલુના રીપોર્ટ કરાવે છે.
તેમાં એચ-1, એન-1, કોરોના સહિતના લક્ષણોનું નિદાન થઇ જાય છે. આવા રીપોર્ટ પરથી કોરોના કેસ નોંધીને રાજય સરકારને રીપોર્ટ મોકલવામાં આવે છે. જોકે મનપા દ્વારા સતાવાર રીતે કેસની જાહેરાત કરવામાં આવતી નથી.
અધિકારીઓ કહે છે કે આ કોઇ કેસમાં ગંભીર લક્ષણો દેખાયા નથી. ચિંતાની પણ કોઇ વાત નથી. દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહીને સાજા થઇ જાય છે. પ્રથમ દર્દી કોરોના મુકત થઇ પણ ગયા છે.
બાકીના ત્રણેય દર્દીની હાલત સ્થિર છે છતાં લોકોને તકેદારી રાખવા, ડોકટરની સલાહ મુજબ નિદાન કરાવવા અને ખાસ કરીને હાલની સિઝનમાં સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.