છાસિયા ગામની બેલડી માત્રા ગામેથી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવ્યાની કેફીયત : રૂ. 1.11 લાખનો મુદ્દામાલ કબ્જે
Rajkot,તા.30
શહેર પોલીસની એલસીબી ઝોન-1ની ટીમે કુવાડવા પોલીસ મથક હેઠળ આવતા નવાગામ વિસ્તારના મધુવન પાર્કના રહેણાંક મકાનમાંથી કુલ 256 બોટલ દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી કુલ રૂ. 1.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મામલામાં પ્રાપ્ત વિગત અનુસાર એલસીબી ઝોન વન પીએસઆઇ બી વી ચુડાસમાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળી હતી કે, નવાગામના મધુવન પાર્ક, બ્લોક નંબર 12 માં રહેતા અજય કરમશીભાઈ સાકરીયાના મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ અર્થે રાખવામાં આવેલ છે. જે હકીકત મળતાની સાથે જ એલસીબી ઝોન-1ની ટીમ દોડી ગઈ હતી.
અજય સાકરીયાના મકાને જઈ પોલીસે બહારથી અજય નામની બૂમ પાડતા એક શખ્સ બહાર આવતા તેણે પોતાની ઓળખ અજય કરમશીભાઈ સાકરીયા (ઉ.વ.20 રહે. મધુવન પાર્ક, બ્લોક નંબર 12, નવાગામ,રાજકોટ) તરીકે આપી હતી. જેથી અંદર મકાનની જડતી કરતા રૂમની અંદર પ્લાસ્ટિકની કોથળીમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 256 બોટલ દારૂ મળી આવ્યો હતો. સાથોસાથ રૂમમાંથી સાગર સોમાભાઈ જોગરાજીયા (રહે છાસીયા, વિછીયા), વિશાલ મનસુખભાઈ મેર (રહે નવાગામ, રંગીલા પાણીના ટાંકા પાસે,રાજકોટ) અને સુરેશ કડવાભાઈ જોગરાજીયા (રહે છાસીયા ગામ, વિછીયા) એમ કુલ ચાર શખ્સો દારૂની 256 બોટલ સાથે મળી આવતા એલસીબી ઝોન-1ની ટીમે દારૂ,મોબાઈલ મળી રૂ.1,11,272 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓએ કબૂલાત આપી હતી કે, છાસિયા ગામની બેલડી અને રંગીલા પાર્કનો શખ્સ માત્રા ગામેથી દારૂનો જથ્થો વેચાણ કરવા અર્થે લાવ્યા હતા.