Dhoraji,તા,06
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાના સમાચાર મળતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. ધોરાજીના સુપેડી જવાના રસ્તામાં હાઈ-વે પર ઈનોવા કાર પલ્ટી મારી વૃક્ષ સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. ધોરાજીથી સુપેડી જતી વખતે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ઈનોવા કારમાં સવાર ૬ વ્યક્તિઓમાંથી ૪ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને બે ઈજાગ્રસ્ત થયા છે.
આ ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ તંત્ર અને નેશનલ હાઇવે એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોની વાત કરીએ તો (૧) વલ્લભભાઈ રૂધાણી (૨) કિશોરભાઈ હિરાણી (૩) આસિફભાઈ (૪)આફતાબભાઈ નામના ચાર વ્યક્તિઓના મોત થયા છે, જયારે (૧) રશ્મિન ગાંધી (૨) ગૌરાંગ રૂધાણીને ગંભીર ઇજા પહોંચી છે.
મહત્વનું છે કે ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા છે. ધોરાજી હોસ્પિટલમાં પરિવારજનોમાં આક્રંદ સાથે ગમગીની છવાઈ ગઈ છે.