Amreli ,તા.28
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે અનેક નદી નાળા છલકાય જવા પામેલ છે. ત્યારે આવા છલકાયેલા નદી નાળામાં અકસ્માતે પડી જવાનાં કારણે કેટલાંક લોકો મોતને ભેટે છે. ત્યારે આજે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો ચેકડેમના પાણીમાં ગરક થઈ જવા પામેલ છે.
આ ડૂબેલા ચાર લોકોને શોધવા માટે થઈ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ધારાસભ્યએ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબેલા લોકોની શોધખોળ કરવા માટે કૂદકો લગાવી દીધો હતો. પરંતુ પાણીમાં ગરક થઈ ગયેલા કોઈ ભાળ મળેલ નથી.
આ બનાવમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના બર્બટાણાના ગામે રહેતા મેરામભાઇ ખીમાભાઇ પરમાર, તથા તેમનાં બીજા બે ભાઈઓ કાનાભાઇ ખીમાભાઇ પરમાર તથા ભરતભાઈ ખીમાભાઇ પરમાર તેમજ પિન્ટુભાઈ પાંચાભાઈ વાઘેલા સહિત ચાર લોકો આજે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા હતા. ત્યારે આ ચાર ઈસમો પાણીમાં ડુબી જવા પામેલ છે.
આ ન્હાવા ગયેલા ચાર ઈસમો તરવૈયા હોય જેથી ઘસમસતા પાણીમાં ન્હાવા ગયેલા હતા. પરંતુ પાણીમાં વચ્ચે પડેલા ભમ્મરમાં ફસાય જતાં પાણીમાં ગરક થઈ જવા પામેલ છે. આ બનવાની જાણ થતાં જ રાજુલા મામલતદાર અને રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરેલ છે. પરંતુ ઘટના સ્થળે અંધારૂં થઈ જતાં બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ વધવા પામેલ છે. હજુ આ બનાવમાં કોઈની ભાળ મળેલ નથી.

