Surendranagar, તા.16
લીંબડી હાઈવે સર્કલ પર ગેરેજ ચલાવતા ચિરાગ પરમારના મિત્રએ ભચાઉના જીગ્નેશ રસીકલાલ ઠક્કર પાસે કાર ખરીદી હતી અન્ય લોકો કરતાં જીગ્નેશ પાસેથી ખરીદેલી કાર સસ્તા ભાવે મળી હતી. જેથી ચિરાગના ભાઈ વિશાલે જીગ્નેશ પાસેથી કાર ખરીદવાનું નક્કી કર્યું. જાન્યુઆરી 2025માં કારનું ડાઉન પેમેન્ટ જીગ્નેશને મોકલી આપ્યું!
સસ્તા ભાવે કાર ખરીદવાની લાલચે નીતિન પરમાર, રાકેશ પરમાર, ભરત પરમાર, હરપાલસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અનિલ ચાવડાએ જીગ્નેશને 12 લાખથી વધુ રકમ મોકલી આપી હતી. જીગ્નેશે આરટીઓ ટેક્સ ચૂકવ્યા વગર ભરત અને વિશાલને 2 કાર અપાવી હતી.
2 કાર આપ્યા પછી જીગ્નેશે બાકીની કારની ડિલવરી આપી નહોતી. બાકીની કાર થોડા દિવસોમાં આપી દઈશ તેવા જીગ્નેશે દીલાસા આપ્યા હતા. આખરે ચિરાગે જીગ્નેશ સામે રૂ. 8,99,537ની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ચિરાગે જણાવ્યું હતું કે જીગ્નેશ તેની પત્નીના બેન્ક ખાતામાં ઓનલાઈન રકમ નખાવતો હતો. તપાસ કરી તો જાણવા મળ્યું કે જીગ્નેશે સુરેન્દ્રનગર, ભચાઉના અનેક લોકોને નિશાન બનાવ્યા છે.
પીઆઈ એ.આર. પટેલે જણાવ્યું હતું કે આરોપીની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. લીંબડીમાં સસ્તા ભાવે કાર ખરીદી સહિત છેલ્લા 1 માસમાં છેતરપિંડીના 3 કિસ્સા સામે આવ્યા છે.
અમદાવાદના બીઆરટીએસ બસના ચાલકે સસ્તા ભાવે ડોલરની લાલચમાં 10 લાખ અને પરનાળા ગામના 2 વ્યક્તિએ કારનું વર્ષનું ભાડું અને કાર ગુમાવી દીધી છે.