Jamnagar તા.7
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા એક નિવૃત આર્મીમેનને ભાગીદાર બનાવવાના બહાને વિશ્ર્વાસમાં લઇ રૂપિયા 35 લાખની છેતરપિંડીની આચરાઇ હોવાનું સામે આવ્યું છે. જામનગરના જ એક શખ્સ દ્વારા ભાગીદારીમાં ધંધો કરવા માટે નાણા મેળવી લીધા બાદ પરત આપવામાં ઠાગાઠૈયા કરી ઉડાઉ જવાબ આપી હાથ ઉંચા કરી લેતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
સિટી બી ડિવિઝન પોલીસ મથકેથી છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગત એવી છે કે શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં રહેતા અને હાલ કોસ્ટ ગાર્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નિવૃત્ત આર્મીમેન અશોકકુમાર કૃષ્ણભાઈ સોલંકી (ઉ.વ.63) એ પોતાની સાથે રૂપિયા 35 લાખની છેતરપિંડી કરવા અંગે પ્રવિણસિંહ ભાઈસાબભા જાડેજા (રહે.ગોકુલધામ સોસાયટી, ગાંધીનગર રોડ, જામનગર) નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર પ્રવિણસિંહ નામના શખ્સે વર્ષ 2011 ની સાલથી 2023 સુધીના સમગયાળા દરમિયાન અશોકકુમાર સોલંકીને લાલચાવી ફોસલાવી પોતાને હાલ રૂપિયાની જરૂરિયાત છે.
તેમ કહી ઉપરાંત પોતાની પાસે જામનગરના સાંઢિયાપુલ નજીક અને જામજોધપુરમાં કિંમતી જમીન આવેલી છે, જેનું વેચાણ કર્યા બાદ પોતે પૈસા પરત આપી દેશે, તેવું પણ પ્રલોભન આપી અથવા તો ભાગીદારીમાં કંઇક ધંધો કરીશું તવી ખાત્રી આપી કટકે કટકે દર મહિને રૂા.30,000 લેખે ટોટલ રૂા.35,00,000 ની રકમ ખંખેરી લીધી હતી. અશોકકુમારે પણ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરી ધંધો ચાલુ કરવા 35 લાખ જેટલી મોટી રકમ પ્રવિણસિંહને મિત્ર સમજી આપી દીધી હતી.
બાદમાં અશોકકુમારને રૂપિયાની જરૂરિયાત હોય તેમણે પ્રવિણસિંહ પાસે પોતાની રકમ પરત માંગતાં આરોપીએ પૈસા પાછા નથી આપવા અને ધંધામાં પણ તમને ભાગીદાર નથી બનાવવા તેમ કહી હાથ ઉંચા કરી દીધા હતાં. જેથી નિવૃત્ત આર્મીમેંન દ્વારા આ મામલો સિટી બી પોલીસ મથકે લઈ જવાયો હતો, અને આરોપી પ્રવિણસિંહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અશોકકુમારની ફરિયાદના આધારે આરોપી સામે આઈપીસી કલમ 420 મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

