Vadodara,તા.16
આણંદ નજીકના ચિખોદરા ગામમાં ફાર્મ હાઉસ ખાતે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામી સહિત કુલ આઠ શખ્સોએ અમદાવાદના એક બિલ્ડરને વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના ભાગીદાર બનાવવાની લાલચ આપી મોટી છેતરપિંડી આચરી છે. આઠ શખ્સોએ બિલ્ડર પાસેથી રૂ. 4.50 કરોડની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે દેવપ્રકાશ ઉર્ફે ડીપી સ્વામી અને વેદપ્રકાશ ઉર્ફે વીપી સ્વામી સહિત 8 શખ્સો વિરૂદ્ધ ઠગાઈનો ગુનો દાખલ કરીને સાયબર ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચ તથા કન્સ્ટ્રક્શનનું કામ કરતા જીવણભાઈ ટોકરભાઈ પરમારના પુત્ર જેનિસના મિત્ર સાનિઘ્ય ચૌહાણ (રહે. અમદાવાદ) મારફતે બિલ્ડરનો પરિચય વિશાલ ઠાકોર, ૠતુરાજસિંહ જાડેજા ઉર્ફે કાનભા, જયપાલસિંહ જાડેજા અને ઉદયભાઇ સાથે થયો હતો.આ શખ્સોએ જીવણભાઈ અને તેમના પુત્ર જેનિસને વડોદરાના સાવલી તાલુકાના જાવોલ ગામ નજીક સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે 339 વીઘા જમીન ખરીદવાની વાત કરી હતી. ત્યારબાદ તેમને આણંદ નજીક ચિખોદરા ગામના એક ફાર્મ હાઉસ ખાતે બોલાવી દેવપ્રકાશ ઉર્ફે ડીપી સ્વામી અને વેદપ્રકાશ ઉર્ફે વીપી સ્વામી સાથે મુલાકાત કરાવી હતી. બંને સ્વામીઓએ જમીન ઊંચા ભાવે ખરીદીને મંદિર અને ગૌશાળા બનાવવાની લાલચ આપી હતી, જેમાં નફામાં ભાગીદાર બનાવવાનું આશ્વાસન આપ્યું હતું.આરોપીઓએ જાવોલ ગામે 339 વીઘા જમીન જોઈ ડાકોરવાળા જેકી શરદભાઈ રામી સાથે બેઠક કરી રૂ. 48.21 લાખ ભાવ નક્કી કરી એમઓયુ કર્યા હતા. ૠતુરાજસિંહ જાડેજાએ જમીન ભાગમાં ખરીદી ડીપી સ્વામી અને વીપી સ્વામીને ઊંચા ભાવે વેચી નફો વહેંચી લેવાની લાલચ આપતા, બંને સ્વામીએ જમીન વીઘે રૂ. 60 લાખમાં ખરીદવાની તૈયારી બતાવી હતી. આ લાલચમાં આવીને જીવણભાઈ પરમારે માર્ચ-2023માં રૂ. 2.50 કરોડ અને એપ્રિલ-2023માં રૂ. 2 કરોડ મળી કુલ રૂ. 4.50 કરોડ આપ્યા હતા. આ અંગે નોટરી લખાણ પણ કરવામાં આવ્યું હતું.
પૈસા લીધા બાદ જમીન ખરીદવા બાબતે ડીપી સ્વામી અને વીપી સ્વામીએ જાત જાતના બહાના કાઢવાનું શરૂ કર્યું હતું. તેમણે વિદેશથી મોટું ફંડ આવ્યા બાદ નાણાં ચૂકવવાની વાત કરી હતી. દરમિયાન તપાસ કરતાં જીવણભાઈને જાણવા મળ્યું હતું કે ડીપી સ્વામી સામે અગાઉ પણ આવી છેતરપિંડીની અનેક ફરિયાદો નોંધાયેલી છે.
ઉપરાંત, જેકી રામીએ ખેડૂતો પાસેથી જમીનો ખરીદી આપેલા ચેકો પણ બાઉન્સ થયાના કેસો થયા હોવાનું બહાર આવ્યું હતું. પોતે ષડયંત્રનો ભોગ બન્યા હોવાનું જણાતા જીવણભાઈ ટોકરભાઈ પરમારે આખરે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે સ્વામી સહિત 8 શખ્સો વિરૂદ્ધ ઠગાઈનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.