Rajkot, તા. 13
મોહનદાસ ગાંધી વિદ્યાલય(આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. બાપુના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ માટે નિર્ણય લેવાયો હોય તા.15 શુક્રવારે સ્વાતંત્ર્ય પર્વના દિવસે 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
તેમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું.
આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત દર્શાવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે જેમાં, ટિકિટ વિન્ડો, ક્લોકરૂમ, મુલાકાત માટે ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિગ વ્યવસ્થા, ગાર્ડન, લાઇબ્રેરી, વી.આઇ.પી. લોંજ, કોન્ફરન્સ રૂમ, સોવિનીયર શોપ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે.
દરરોજ રાત્રે 7 વાગ્યે ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાય છે. આજ સુધીમાં 2401 વિદેશી મુલાકાતીઓ, 1,02,667 બાળકો સહીત 3,53,701 મુલાકાતીઓએ મુલાકાત લઇ અભિભૂત થયા છે.
શહેરના 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન પરથી પ્રેરણા અને આદર્શ મેળવે તે માટે સ્વાતંત્ર દિને વધુને વધુ બાળકો આ નિ:શુલ્ક સેવાનો લાભ મેળવે તેવી અપીલ પદાધિકારીઓએ કરી છે.