French,તા.28
ફ્રાન્સના નીચલા સદન નેશનલ એસેમ્બલીએ ગઈકાલે ઐતિહાસિક બિલને મંજૂરી આપી છે. આ બીલ હેઠળ ફ્રાન્સમાં અસાધ્ય બીમારીઓથી પીડાતા લોકોને ઈચ્છામૃત્યુ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવશે. યુરોપમાં લાંબા સમયથી ઈચ્છામૃત્યુના અધિકાર માટે કાયદાકીય માગ રહી છે. આ મામલે સંસદમાં મહિનાઓ સુધી ચર્ચાઓ ચાલી રહી હતી. લાંબી ચર્ચાઓના અંતે ગઈકાલે મંગળવારે નેશનલ એસેમ્બલીએ તેની મંજૂરી આપી છે. હવે આ બિલ ઉચ્ચ સદનમાં રજૂ કરવામાં આવશે.
પ્રસ્તાવિત બિલમાં ગંભીર બીમારીઓથી ત્રસ્ત લોકોને ઈચ્છામૃત્યુ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, તેના માટે અમુક આકરી શરતો પણ મૂકવામાં આવી છે. જેમાં સારવાર ન થઈ શકે તેવી અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીએ પોતે જ ઝેર લાવવાનું રહેશે. તેમજ જો દર્દી ઝેર લાવવાની સ્થિતિમાં ન હોય તો ડોક્ટર કે નર્સની મદદથી ઝેર આપી શકાશે. બિલ હેઠળ ઈચ્છામૃત્યુનો વકિલ્પ પસંદ કરવા માટે દર્દીની વય ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે. સાથે તે ફ્રાન્સનો નાગરિક હોવો પણ જરૂરી છે. મોતનો વિકલ્પ પસંદ કરતાં પહેલાં સ્વાસ્થ્ય તજજ્ઞોની ટીમે સાબિત કરવાનું રહેશે કે, વ્યક્તિ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેમજ તેની સારવાર શક્ય નથી. દર્દી અસહ્ય પીડાઓ સહન કરી રહ્યો હોવાના પુરાવા આપવા પડશે. ત્યારબાદ જ તેને ઈચ્છામૃત્યુનો વિકલ્પ અપનાવવા મંજૂરી મળશે. ઉલ્લેખનીય છે, માનસિક રોગીઓને ઈચ્છામૃત્યુના વિકલ્પમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો મંજૂરી મળે તો દર્દી ઘર, નર્સિંગ હોમ તથા સ્વાસ્થ્ય કેન્દ્રમાં જીવલેણ દવા કે ઝેર ગટગટાવી શકશે.