માઉન્ટ આબુ ફરવા જવાનું કહી હ્યુન્ડાઇ વરના કાર લઇ જીપીએસ બંધ કરી દીધું : ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો
Rajkot,તા.29
શહેરમાં સેલ્ફ ડ્રાઇવ પર કાર લઇ છેતરપિંડી આચરવાના બનાવ સતત સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક આવો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. મધાપર ચોકડી પાસે રહેતા વેપારીની હ્યુન્ડાઈ વરના કાર માઉન્ટ આબુ ફરવા જવાના બહાને મિત્રના મિત્રને ભાડે આપી હતી. પરંતુ આરોપી કાર ગીરવે મૂકીને ફરાર થઈ જતાં આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
ગાંધીગ્રામ પોલીસ મથકમાં મોરબી બાયપાસ રોડ પર મધાપર ચોકડી પાસે સુંદરમ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અમિત ભુપતભાઈ વાઘેલા(ઉ.વ ૨૭) એ મિત્ર રાજ ઉર્ફ હિમાંશુ જયેશભાઈ ભાદરકા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ “એબી ટુર્સ” નામની પેઢીમાં સેલ્ફ-ડ્રાઈવ પર કાર ભાડે આપે છે. ગઇ તા. ૨૫ જુલાઈ ૨૦૨૫ના મિત્ર વિકાસ પ્રવીણભાઈ ભાદરકાએ ફોન કરીને તેના મિત્ર રાજ ઉર્ફે હિમાંશુ જયેશભાઈ ભાદરકા માટે કારની માંગણી કરી હતી. રાજને તેના પરિવાર સાથે માઉન્ટ આબુ જવું હતું અને વિકાસ પણ તેની સાથે જવાનો હતો તેમ કહ્યું હતું. જેથી ફરિયાદીએ વેરના કાર નં. જીજે-03-એલઆર-8778 બે દિવસ માટે ભાડે આપી હતી. જેનું એક દિવસનું ભાડું રૂ. ૩૦૦૦ નક્કી થયું હતું. સેફ્ટી તરીકે રાજે ૩૦૦૦ એડવાન્સ આપ્યા અને વિકાસે તેનું હીરો સ્પ્લેન્ડર ટુ-વ્હીલર અમિત પાસે ગીરવે મૂક્યું હતું. અમિતે કારમાં રહેલા જીપીએસને ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બંધ કરી દેવામાં આવ્યું હતું. અક્રમ દાઉદાણીએ જણાવ્યું કે સોહિલ પરમાર નામના વ્યક્તિએ કાર ગીરવે મૂકવા માટે લાવ્યો હતો. પરંતુ તેણે તેને રાખી નહોતી. અમિતે વારંવાર રાજ અને વિકાસને ફોન કર્યા,પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં આખરે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.