Mumbai,તા.11
બોલિવૂડના અભિનેતા જોન અબ્રાહમ હાલ દિવસોમાં તેની ફિલ્મ ‘તેહરાન’ને લઈને ચર્ચામાં છે, જે OTT Z5 પર 14 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. હાલમાં અભિનેતા આ ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં જોવા મળી રહ્યો છે. હાલમાં જ તેણે એક ઇન્વેન્ટમાં તેની પર્સનલ-પ્રોફેશનલ લાઇફથી જોડાયેલા ઘણાં કિસ્સા શેર કર્યા હતા. આ દરમિયાન તેણે અમેરિકા-ભારતના સંબંધ વિશે પણ વાત કરી અને જે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગુ કરેલા 50 ટકા ટેરિફ વિશે પણ પ્રતિક્રિયા આપી. ચાલો જાણીએ આ વિશે તેણે શું કહ્યું?
ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું હોવાથી હાલમાં જ અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે વાત કરતા જોન અબ્રાહમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમેરિકા સાથે દોસ્તી પણ સારી નહીં અને દુશ્મની પણ સારી નથી. અમેરિકા સાથે દોસ્તી કરવી પણ ભારત માટે જોખમ છે,’
જોને તેની એક ફિલ્મનો કિસ્સો સંભળાવતાં કહ્યું કે, ‘તેહરાન ફિલ્મની એક રસપ્રદ વાત છે. ઇઝરાયલીઓએ ઇઝરાયલનું પાત્ર ભજવ્યું અને ઇરાનીઓએ ઇરાનીઓનું પાત્ર ભજવ્યું, પરંતુ અમે બધા સાથે ભોજન કરતા, બધુ બરાબર હતું, કોઈને કોઈનાથી કોઈ તકલીફ નહોતી. આ બધું જોઈને તમે વિચારો છો કે દુનિયામાં શું ચાલી રહ્યું છે અને આપણા મિત્રો ઘણીવાર નિયમો બદલી નાખે છે.’
આ વિશે વધુ વાત કરતા તેણે કહ્યું કે, ‘અમેરિકાનું દુશ્મન બનવું જોખમી છે અને દોસ્તી કરવી પણ ઘાતક છે. અમેરિકાનું વર્તન અનિશ્ચિત છે. તે ક્યારે શું કરે, તે કહી ના શકાય.’
જણાવી દઈએ કે ‘તેહરાન’ પહેલા જોન અબ્રાહમ ‘ધ ડિપ્લોમેટ’માં દેખાયો હતો. આ મૂવીને દર્શકોનો પસંદ પડી હતી. શરૂઆતમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ બહુ ચાલી ન હતી. જો કે, OTT પર આ ફિલ્મ ઘણાં સમય સુધી ટ્રેન્ડિંગ રહી હતી.