Vadodara,તા.10
વડોદરા નજીક મહીસાગર નદી પરના પુલના બે કટકા થઈ જતા સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકાના એક વ્યક્તિનો પણ ભોગ લેવાયો છે.
બીજી તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ટુંકા અંતરના આ બ્રીજ પર વાહનવ્યવહાર બંધ થતા ધડાધડ નવા ડાઈવર્ઝન શરૂ કરાયા છે. કેન્દ્ર સરકાર પણ એકશનમાં આવી હોય તેમ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલે પરિવહન પ્રધાન નીતીન ગડકરી સાથે વાતચીત કરી હતી.
ગંભીરા બ્રિજ તૂટી પડવાને પગલે અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબકયા હતા. સંખ્યાબંધ લોકો પણ પડી ગયા હતા. પરિણામે મોડીરાત સુધી રાહત-બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. આજે પુનમે નદીનુ જળસ્તરે વધે તેમ હોવાની શકયતાને ધ્યાને રાખીને મોડીરાત સુધી કામગીરી કરવામાં આવી હતી.
સરકારના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે મૌજુદ હતા. માર્ગ-મકાન વિભાગના મુખ્ય ઈજનેર પટેલીયાને પણ મોકલવામાં આવ્યા હતા. આજે સવાર સુધીમાં મૃત્યુઆંક 14 થયો હતો. એક મૃતદેહ દ્વારકાના મહેન્દ્રભાઈ હાથિયાની હોવાની ઓળખ થઈ હતી.
દરમ્યાન બ્રીજ દુર્ઘટના બાદ સરકાર એકશનમાં આવી હોય તેમ ધડાધડ નવા રોડ ખોલવા સહિતના નિર્ણયો લેવાયા હતા. સી.આર.પાટીલ દ્વારા પુલ-રસ્તાઓ વિશે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતીન ગડકરી સાથે વાતચીત કરવામાં આવી હતી અને બ્રીજ તૂટયા બાદ ટ્રાફીકની મુશ્કેલી ટાળવા માટે નવા માર્ગ ખોલવાનુ નકકી થયુ હતું.
આવતા 24 કલાકમાં કીમનો એકસપ્રેસ-વે ખોલીને ટ્રાફિક ડાઈવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભરૂચથી સુરતનો ટ્રાફીક એકસપ્રેસ-વે પર ડાઈવર્ટ કરાશે. આ સિવાય તાપી નદી પરના કામરેજ બ્રીજનું રીપેરીંગ કરવાનુ નકકી થયુ હતુ.