Gandhidham, તા.16
આવકવેરા વિભાગ દ્વારા નાણાં વર્ષની સમાપ્તિ પૂર્વે વસુલાતનો ટારગેટ હાંસલ કરવા માટે કામગીરી તેજ કરી હોય તેમ આજે ગાંધીધામમાં ચોખા ઉત્પાદક પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટી રકમની કરચોરી ખુલવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
ઇન્કમટેક્સના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઇમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડાનું કનેકશન કચ્છના ગાંધીધામમાં નીકળ્યું હતું અને તેના આધારે રાજકોટની કચેરીને એલર્ટ કરીને તપાસ કાર્યવાહીમાં સામેલ થવા કહેવામાં આવ્યું હતું.
ગાંધીધામમાં સુપેલ બાસમતી રાઇસ નામની બ્રાંડ કંપનીને નિશાન બનાવવામાં આવી છે. મુંબઇ તથા રાજકોટના અધિકારીઓ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસનો રીપોર્ટ મુંબઇ તંત્રને જ સોંપવામાં આવશે.
રાજકોટ આયકર વિભાગના અધિકારીએ નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે મુંબઇ ખાતેના ઇન્કમટેક્સના દરોડામાં સંબંધિત કંપનીનું યુનિટ ગાંધીધામમાં હોવાનું ખુલ્યું હતું અને મુંબઇ કચેરીની સુચના મુજબ રાજકોટના અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
શંકાસ્પદ સાહિત્ય, બિનહિસાબી દસ્તાવેજો વગેરે ચકાસણી કરાશે. જપ્ત કરીને તે મુંબઇ તપાસનીશ તંત્રને સોંપી દેવામાં આવશે. સૌરાષ્ટ્રમાં લાંબા વખત બાદ ઇન્કમટેક્સે સર્ચ ઓપરેશન હાથ ધરતા વેપાર ઉદ્યોગકારોમાં ફફડાટ સર્જાયો હતો. નાણાંકીય વર્ષને આડે અઢી મહિના જ બાકી છે. વસુલાત ટારગેટ હાંસલ કરવા સર્ચ વધતા હોવાથી વેપાર ઉદ્યોગકારો એલર્ટ જ છે.