Gandhinagar,તા.26
ગાંધીનગર અને નલિયાને બાદ કરતા સૌરાષ્ટ્ર ગુજરાતમાં આજે પણ ઠંડીમાં આશિંક ઘટાડો થયો હતો. આજરોજ ગાંધીનગરમાં 11.4, અને નલિયા ખાતે 13.4 તથા વડોદરામાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે તિવ્ર ઠંડી અનુભવાઈ હતી.
જયારે રાજકોટમાં 15, પોરબંદરમાં 15.2, અમદાવાદમાં 15.9, અમરેલીમાં 16.6, ભાવનગરમાં 17.2, ડિસામાં 15.4, દિવમાં 17.6, અને દ્વારકામાં 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
જયારે જામનગર શહેરમાં નવેમ્બર મહિનાના અંતમાં ધીમા પગલે ઠડીનું આગમન થયા બાદ દિનપ્રતિદિન પારો નીચે ઉપર રહ્યા કરે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં બે ડિગ્રી પારો નીચે સરકતા લઘુતમ તાપમાન ફરી એકવાર 15.5 ડિગ્રી પહોંચી જતા ઠડીનું પ્રમાણ વધ્યું હતું. સાથે 4.7 કિમિ ઝડપે સુસવાટા મારતા પવનના કારણે વાતાવરણમાં થડક પ્રસરી છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠડીનું પ્રમાણ વધુ હોવાથી જનજીવન પ્રભાવીત થયું છે. ઠડીથી બચવા લોકોએ તાપણા શરૂ કરવામા આવ્યા છે. સવાર અને સાંજના ઠડીના કારણે હવે પશુપક્ષીઓ ઉપર અસર જોવા મળે છે.
છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીના ઘટાડા સાથે પારો 15.5 પહોંચ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણમાં 4 ટકા ધટાડો નોંધાયો છે.જ્યારે પવનની ગતિ પ્રતિકલાકમાં એક કિમીનો વધારો નોંધાયો છે.
આજે સવારે કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી અને મહતમ તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61 ટકા તેમજ પવનની ગતિ પ્રતિકલાક 4.7 કિમિ નોંધાઇ હતી.
તેમજ અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં વધારો થવાના બદલે ઉતરોતર ઠંડીમાં ઘટાડો જોવા મળી રહયો છે. ત્રણ દિવસ પહેલાં અમરેલીમાં લઘુતમ તાપમાન 13.4 નોંધાયું હતું. જેમાં આજે 4 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે.
અમરેલી આજે મહતમ તાપમાન 30.8, જ્યારે લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 51 ટકા જ્યારે પવનની ગતિ 6 કી.મી. નોંધાય હતી.જ્યારે ખોડિયાર ડેમના કાંઠે વસેલા ધારી ગામે પણ લધુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયેલ છે.