Morbi, તા.22
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ચાર મહાનગર ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
જેમાં પ્રથમ ક્રમને 5 લાખ, દ્રિતિય ક્રમે 3 લાખ અને તૃતિય ક્રમે 1.50 લાખ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યમાં ચાર મહાનગર સિવાયના 29 જીલ્લાઓમાંથી ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ 5 (પાંચ)ની પ્રોત્સાહન તરીકે પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમને 5 લાખ, દ્રિતિય ક્રમે 3 લાખ અને તૃતિય ક્રમે 1.50 લાખ પુરસ્કાર આપવામાં આવશે.
તથા પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે 1 લાખ પુરસ્કાર આપવામાં આવશે. આ પ્રતિયોગીતા માટે ચાર મહાનગરમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય 29 જિલ્લાઓમાં કલેકટરના અધ્યક્ષતામાં એક મૂલ્યાંકન સમિતિની રચના કરી બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બનેલ મુલ્યાંકન સમિતિ દ્રારા ચાર મહાનગરમાં બનાવવામાં આવેલ ગણેશ પંડાલોમાંથી ગણેશ પંડાલનાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ, સ્વદેશી, પંડાલ સ્થળની પસંદગી (ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપ ન થાય), સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી અને ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી ગણેશ પંડાલની પસંદગી કરી એક થી ત્રણ ક્રમના વિજેતા કરવામાં આવશે.
તેમજ અન્ય 29 જિલ્લાઓમાં કલેકટરની અધ્યક્ષતામાં બનેલ મૂલ્યાંકન સમિતિ દ્રારા મહાનગરોમાં જણાવ્યા મુજબની વિગતો ધ્યાને લઇ એક બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરી તેના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરને મોકલવામાં આવશે. ગાંધીનગર ખાતે રાજ્યનાં 29 જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ 3 (ત્રણ) વિજેતા તેમજ અન્ય 5 (પાંચ)ને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે.
આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં- 257/236, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ -મોરબી ખાતેથી મેળવી તા.28 ના બપોરે 12 કલાક સુધીમાં પરત કરવાના રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહિ.