બિહારથી પ્રસંગ પતાવી પરપ્રાંતિય પરિવાર શાપર જઈ રહ્યો’તો ત્યારે ગઠીયાઓનો ભેંટો થઇ ગયો
Rajkot,તા.28
ટ્રેનમાં અમદાવાદથી રાજકોટની મુસાફરી દરમિયાન બિહારી પરિવારના બેગમાં કાપો મારી બે અજાણ્યા શખસો રોકડ રૂપિયા ૮૦ હજાર અને સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.25 લાખની મત્તા ચોરી કરી ગયા અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હાલ શાપરમાં રહેતા મૂળ બિહારના વતની અક્ષયબરનાથ સીતારામ ઓઝા(ઉ.વ 55) દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા દસ વર્ષથી શાપરમાં રહે છે અને સાત વર્ષથી શાપર પ્રગતિ મોલ ગેટ પાસે વિનસ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં મજૂરી કામ કરે છે.
ફરિયાદીનું મૂળ વતન બિહારના આરા તાલુકાનું કરજા ગામ હોય લગ્ન પ્રસંગ માટે તેઓ ગુજરાતથી બિહાર ગયા હતા. તા. 21/ 5/ 2025 ના રોજ બિહારથી પટના અમદાવાદ અજીમાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં ફરિયાદીના પત્ની આશાબેન પુત્રવધુ નેહા કુમારી પુત્ર આનંદકુમાર મુસાફરી કરી રહ્યા હતા. તારીખ 23/5/2025 ના અમદાવાદ રેલવે સ્ટેશન સુધી મુસાફરી પૂરી કરી અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર પરિવારજનો સાથે રહેલા સામાનમાં 17 જેટલી બેગ હતી તેમાં વાદળી બ્લુ કલરની ટ્રોલી બેગ ફરિયાદીના પત્નીએ ખોલી જોતા સામાન બરોબર હતો. બાદમાં ઈ ટિકિટ રિઝર્વેશન મુજબ અરનાકુલમ ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ બેઠા હતા.
બાદમાં તા. 24/5 ના ફરિયાદીના પુત્ર આનંદ કુમારને રેલ્વે ગેટમેન કર્મચારી ઇન્દ્રજીત કુમાર કે જે તરઘડી ગામના રેલવે બ્રોડગેજ લાઈન પાસેથી બોલતા હોય તેમણે ફોન કર્યો હતો કે તમારા નામનું આધાર કાર્ડ, પાનકાર્ડ, બે ચેકબુક, એટીએમ કાર્ડ રેલવે પાટા પાસેથી મળ્યું છે. બાદમાં અહીં ઘરે આવી તપાસ કરતા આ 17 બેગ પૈકી એક ટ્રોલી બેગની ચેન ખોલીને કાપડના કવરનો કાપો મારી કોઈ અજાણી વ્યક્તિએ તેમાંથી રોકડ રૂપિયા ૮૦ હજાર તથા સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1,25,500 ની મત્તા કાઢી લીધી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ બંને અજાણ્યા શખસો જે મુસાફરી દરમિયાન તેમની સાથે વાતચીત કરતા હોય તેણે જ આ ચોરી કરી હોવાની શંકા સાથે ફરિયાદ નોંધાવી છે.