શેર માર્કેટના નામે ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણના નામે પૈસા પડાવનાર જૂનાગઢ રત્ન કલાકારોની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ
Rajkot,તા.21
બીએસએનએલના મહિલા કર્મચારીને શેર બજારમાં રોકાણ કરી ઉંચું વળતર મેળવવાની લાલચ આપી ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ. ૫૫ લાખની ડિજિટલ ઠગાઈ આચરનાર જૂનાગઢની બેલડીની રાજકોટ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.
સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો બીએસએનએલમાં જુનિયર ટેલિકોમ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા બેલાબેન સુરેશચંદ્ર વેદ્યએ સાયબર ક્રાઇમ પોલીસમાં મે, 2024માં ફરિયાદ નોંધાવી હતી કે, શેર બજારમાં રોકાણ કરી ત્રણ મહિનામાં 500 ટકા રીટર્ન મળશે તેવી ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત જોતા તેમણે લિંક પર ક્લિક કરતા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. બાદ આ ગ્રુપમાંથી તેમને ફ્રેગવે નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. ત્યારબાદ રોકાણના નામે અલગ અલગ બહાર 12 બેંક એકાઉન્ટમાં કટકે કટકે રૂ. 55 લાખ ટ્રાન્સફર કરાવી ડિજિટલ ઠગાઈ આચરવામાં આવી હતી. દરમિયાન આ ગુનાના બે આરોપી દિનેશ ઉર્ફે સતીશ રમેશભાઇ રાદડિયા (ઉ.વ.39, ધંધો રત્નકલાકાર, રહે. રામજી મંદિરની પાછળ, મોટા ભલગામ, વિસાવદર, જુનાગઢ) અને જેનીશ ઉર્ફે રઘો ભાણકુભાઈ ગરણીયા (ઉ.વ.28, ધંધો રત્નકલાકાર, રહે. ખોડીયાર નગર, કાલસારી,વિસાવદર, જુનાગઢ)ની ધરપકડ કરવામાં આવી હતી.