પાકિસ્તાની એજન્ટો દુબઈ-વિયેતનામની ટિકિટ કરાવે, ત્યાં ચીની ગેંગ પાસપોર્ટ-મોબાઈલ જપ્ત કરી બળજબરીથી સાયબર ફ્રોડ કરાવતા
Gandhinagar, તા.૧૭
ગુજરાતથી લોકોને વિદેશ લઈ જઈ સાયબર ફ્રોડ કરાવતી ટોળકી આખરે સકંજામાં આવી છે. સાયબર સ્લેબરીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ટિ્વટ કરીને માહિતી આપી છે.
ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી (સાયબર ગુલામી) રેકેટનો મોટો પર્દાફાશ કરતા જૂનાગઢના પતિ-પત્ની સહિત ૩ એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પાકિસ્તાનના બે ભાઈઓ સાથે મિલીભગત કરતા હતા અને દેશ-વિદેશમાં યુવક-યુવતીઓને નોકરીના નામે છેતરતાં હતાં.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટિ્વટમાં જણાવ્યું કે, ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મ્યાનમારના કેકે પાર્કમાં માફિયાઓ દ્વારા સંચાલિત કૌભાંડ કેન્દ્રો પાછળના મુખ્ય આરોપીની ધરપકડ કરીને એક મોટી સફળતા મેળવી છે. આ મુખ્ય આરોપી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરીયા, ઇજિપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયાના ૫૦૦ થી વધુ નાગરિકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ અને દુબઇમાં સાયબર ગુલામીમાં ધકેલીને તેમની તસ્કરી કરવા માટે જવાબદાર હતો. તપાસમાં મુખ્ય આરોપી દ્વારા ચલાવવામાં આવતા એક અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટ્રાફિકિંગ અને સાયબર-ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેને ૧૨૬ થી વધુ સબ એજન્ટો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. તેણે ૩૦+ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો અને સાયબર-ફ્રોડ કેમ્પોને માનવશક્તિ સપ્લાય કરતી ૧૦૦ થી વધુ ચીની અને વિદેશી કંપની ૐઇ નેટવર્ક સાથે સીધા જોડાણો રાખ્યા હતા.
સમગ્ર નેટવર્ક વિશે માહિતી આપતા સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, દેશના વિવિધ રાજ્યોમાં સાયબર સ્લેવરીમાં ધકેલાતા નેટવર્કમાં વધુ એક સફળતા મળી છે.
સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે કાર્યવાહી કરીને જુનાગઢના પતિ-પત્ની સહિત ત્રણની ધરપકડ કરી છે. ત્રણેય લોકો પાકિસ્તાની મૂળના બે ભાઈઓ સાથે કામ કરતા હતા. પાકિસ્તાની મૂળના બે ભાઈઓ નોકરી વાંચ્છુક યુવકો અને યુવતીઓને બોર્ડર પાર કરાવતા હતા. આ રીતે કુલ ૪૧ નાગરિકોને દક્ષિણ એશિયાઈ દેશોમાં મોકલાયા હતા.
આ ગેંગમાં કોણ કોણ સામેલ છે
સોનલ ફળદૂ – જૂનાગઢ
સંજય ફળદૂ – જૂનાગઢ
શૈલેષ ડાભી – આણંદ
નિયાઝ અલી ઉર્ફે નિયાઝ રમીઝ – પાકિસ્તાન
તન્વીર – પાકિસ્તાન
એસપી રાજદીપસિંહે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ ગેંગ દૂબઈના રૂટથી ભારતીયોને થાઈલેન્ડ, મ્યાનમાર જેવા દેશોમાં મોકલતા હતા. જેના બાદ તેમને ઓનલાઈન છેતરપિંડી, એઆઈ બેઝ એપ્લિકેશનનો ઉપયોગ કરાવીને નાણાંના રોકાણ કરાવી છેતરપિંડી કરાવવાનું કામ કરતા હતા.
ગેંગ સમગ્ર દુનિયામાં છેતરપિંડી આચરતા હતા. નાગરિકોને ડેટા એન્ટ્રીનું કામ કહી લઈ જતા હતા. એજન્ટો વિદેશ જતા લોકો પાસેથી ૮૦ હજાર લેતા હતા, જેમાં તેમને બે હજાર ડોલરનું કમિશન મળતું હતું. જુનાગઢનું દંપતી પાકિસ્તાનના ભાઈઓ સાથે પાર્ટનરશીપમાં ધંધો કરતા હતા. જેમાં ૬૦-૪૦ ટકાની પાર્ટનરશીપ હતી. ગુજરાતના એજન્ટને ૬૦ ટકા અને પાકિસ્તાનના ભાઈઓને ૪૦ ટકા મળતા હતા.
આ ગેંગના એજન્ટો ગુજરાતના નાગરિકોને ડેટા એન્ટ્રી જેવી નોકરીની મોટી ઓફર આપીને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો (જેમ કે, મ્યાનમાર, વિયેતનામ, દુબઈ અને મલેશિયા)ની ટિકિટ બુક કરાવી આપતાં હતાં. પાકિસ્તાની એજન્ટ મીયાઝઅલી અને તનવીર મારફતે અત્યાર સુધીમાં ૪૧ જેટલા ગુજરાતીઓને આ રીતે મોકલાયા છે. જો કે, ભોગ બનનાર વ્યક્તિ એરપોર્ટ પર પહોંચે કે તરત જ તેમનો ભયંકર અનુભવ શરૂ થઈ જતાં.

