વાડી ખાતે પાળો બનાવવા મામલે બોલાચાલી થયાં બાદ ધોકા વડે ચાર શખ્સો તૂટી પડ્યા : ફોર્ચ્યુનર કારમાં તોડફોડ
Rajkot,તા.26
શહેરની ભાગોળે આવેલ પરાપીપળીયા ગામે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને કૌટુંબિક કાકા સહીતની ટોળકીએ ધોકા વડે માર માર્યો હતો. પાળો બનાવવા બાબતે બોલાચાલી થયાં બાદ ચાર શખ્સોએ હુમલો કરી યુવાનને માર માર્યો હતો. ઉપરાંત પથ્થરનો ઘા ઝીંકી ફોર્ચ્યુનર કારમાં પણ નુકસાની સર્જી હતી. જે મામલે ચાર શખ્સો વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
મૂળ રાજકોટ તાલુકાના પરાપીપળીયા ગામના વતની અને હાલ રેલનગર વિસ્તારમાં અમૃતવિલા બ્લોક નંબર-3 માં રહેતા 40 વર્ષીય ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વિજયભાઈ ઉર્ફે મુન્નાભાઈ નવધણભાઈ કોઠીવાળે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરાપીપળીયાના પરબત મુળુભાઈ કોઠીવાળ, ધવલ ભાનુભાઈ કોઠીવાળ, હરદેવ ભાનુભાઈ કોઠીવાળ અને જાગુબાઇ પરબત કોઠીવાળનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગત મારા જે.સી.બી.ના ડ્રાઈવર જગાભાઈ ઉર્ફે જગો જોગરાણાનો મને ફોન આવેલ કે, તમારા કાકા પરબતભાઈ કોઠીવાળ આવેલ છે અને પાળો કરવાની ના પાડે છે. જેથી હું મારી ફોર્ચ્યુનર કાર લઈને તરત પરાપીપળીયા એઈમ્સ હોસ્પિટલ પાસે મારી વાડીના શેઢા પાસે જે.સી.બી. ચાલતુ હતું ત્યાં ગયેલ હતો. બાદ મેં મારા કૌટુંબિક કાકા પરબતભાઈ કોઠીવાળને કહેલ કે, આ પાળો તમારામાં આવતો નથી. આ પાળાથી તમારો રસ્તો દુર છે. જેથી પરબતભાઈ કોઠીવાળ એકદમ ઉશ્કેરાયેલ અને મારી સાથે ઝઘડો કરવા લાગેલ હતા. બોલાચાલીનો દેકારો થતા બાજુમાં આવેલ મારી હોટેલ ખાતેથી રસીકભાઈ ડાયાભાઈ પરમાર દોડી આવ્યા હતા.બાદ મે બોલાચાલી કરવાની ના પાડતા પરબતભાઈ કોઠીવાળએ ગાળો આપેલ અને પથ્થરનો ઘા મારી ફોર્ચ્યુનર કાર ઉપર મારી નુકશાન કરેલ હતું. દરમીયાન ધવલ ભાનુભાઈ કોઠીવાળ ધોકો લઈને આવેલ અને મને માર મારેલ હતો. બાદ હરદેવ ભાનુભાઈ કોઠીવાળ પથ્થર લઈને આવેલ અને મારી કારમાં ઘા ઝીંકી દીધી હતો. દરમિયાન જાગુભાઈ પરબતભાઈ કોઠીવાળે મને ગાળો આપેલ હતી. ચારેય શખ્સો મારી સાથે ઝગડો કરતા હોય રસીકભાઈ પરમાર મને બચાવવા વચ્ચે પડતા રસીકભાઈને પણ પરબતે કપાળના ભાગે સામાન્ય માર માર માર્યો હતો. બાદ મને ઢીકા પાટુનો મુંઢ માર મારી ગાળો આપી હતી. ત્યારબાદ મને ધોકા વડે પણ મુંઢ માર મારેલ હતો.
બાદ ચારેય શખ્સો ત્યાથી નાસી જતાં રસિકભાઈ પરમારે યુવાનને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મામલામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ આપતાં ગાંધીગ્રામ પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.